News of Monday, 23rd March 2026
પાકિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પીડિત દેશઃ ૧ ૧૩૯નાં મોત
પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા : આતંકવાદથી કુલ મોતના ૭૦ ટકા પાક.,બુર્કીના-ફાસો,નાઇજીરીયા, નાઇજર, ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં થયા

સ્ટોકહોમ,તા.૨૩: ભારત સહિત દુનિયામાં આતંકવાદ ફેલાવતું અને આતંકીઓનો ગઢ પાકિસ્તાન પોતે જ આતંકવાદથી સૌથી વધુ પીડિત હોવાનો સ્વીડન સ્થિત સંસ્થા ઇન્સ્ટીટ્યુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસે જણાવ્યું છે. સંસ્થાએ પ્રસિદ્ધ કરેલા ‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ' રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાનમાં આતંકવાદથી ૧૧૩૯નાં મોત થયા હતા. જોકે, બિન સત્તાવાર આંક આથી પણ વધુ હોવાની પૂરી શક્યતા છે. આ પૂર્વે ૨૦૧૩માં આતંકવાદથી થયેલા ૧૦૪૫ના મૃત્યુના આંકને પણ ૨૦૨૫નો આંક વટાવી ગયો છે.
ઇન્સ્ટીટ્યુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસના અહેવાલ મુજબ સતત છ વર્ષથી પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલાં મૃત્યુનો આંક વધતો જ રહ્યો છે.
આ છ વર્ષમાં પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલાં મૃત્યુનો કુલ આંક ૮,૫૭૪ સુધી પહોંચી ગયો છે. આ રીતે પાકિસ્તાને બુર્કીના-ફાસોને પણ પાછળ રાખી શિર્ષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં આતંકવાદથી થયેલા મૃત્યુ પૈકી ૭૦ ટકા મૃત્યુ તો માત્ર પાંચ દેશો અનુક્રમે પાકિસ્તાન, બુર્કીના ફાસો, નાઈજીરીયા, નાઈજર અને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં નોંધાયાં છે. પાકિસ્તાનમાં આતંકવાદ સૌથી વધુ ખૈબર-પશુનવા અને બલુચિસ્તાનમાં કેન્દ્રિત રહ્યો છે ત્યાં ૭૪ ટકાથી વધુ આતંકી હુમલાઓ થયા છે અને કુલ મોતનાં ૬૭ટકા મોત પણ આ વિસ્તારોમાં જ નોંધાયા છે.
આ ઉછાળાનું મુખ્ય કારણ તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટીટીપી)ની વધી રહેલી કાર્યવાહી છે. આ ટીટીપી પાકિસ્તાનમાં સૌથી ઘાતક આતંકી સંગઠન મનાય છે. વૈશ્વિક સ્તરે તે ત્રીજું સૌથી ખતરનાક જૂથ છે. ૨૦૨૫માં ટીટીપીએ ૫૯૫ હુમલા કર્યા હતા જે ગત વર્ષ કરતાં ૨૪ ટકા વધુ છે. તેમાં ૬૩૭નાં મોત થયા હતા. આ આંક ૨૦૧૧ પછીનો સૌથી વધુ આંક છે. ટીટીપી ૨૦૦૯થી શરૂ થયેલા આતંકી હુમલાઓ પૈકી ૬૭ ટકા હુમલા માટે જવાબદાર છે તે બલુચિસ્તાન લિબરેશન આર્મી (બી.એલ.એ) કરતાં પાંચ ગણા વધુ છે.
આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોને ફરી સત્તા પ્રાપ્ત કર્યા પછી પાકિસ્તાનની સલામતી ઉપર ઘેરો પ્રભાવ પડ્યો છે તેને ટીટીપી દ્વારા સમર્થન મળી રહ્યું છે. પાકિસ્તાને મૂળ તો ભારતને તબાહ કરવાના હેતુથી આતંકવાદ શરૂ કર્યો હતો, પરંતુ તેનાથી ભારતને તો તબાહ ના થઈ શક્યું પરંતુ આતંકવાદે હવે પાકિસ્તાનને જ ભરડો લીધો છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
