<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ઈરાને જાહેર કરી એક કરોડ રિયાલની નોટઃ ભારતમાં આ નોટનું મૂલ્‍ય માત્ર ૭૧૨ રૂપિયા

ઈરાન દ્વારા આટલી મોટી નોટ જાહેર કરવા પાછળનું મુખ્‍ય કારણ અતિશય ફુગાવો છે : સામાન્‍ય લોકોને દૂધ, બ્રેડ અથવા શાકભાજી જેવી રોજિંદી ચીજવસ્‍તુઓ ખરીદવા માટે બજારમાં નોટોનાં બંડલો લઈને જવું પડે છે

તહેરાન,તા.૨૩: મિડલ ઈસ્‍ટમાં ચાલી રહેલા તનાવ અને આર્થિક પ્રતિબંધો વચ્‍ચે ઈરાનની અર્થવ્‍યવસ્‍થા ખૂબ જ મુશ્‍કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી ઈરાનની સેન્‍ટ્રલ બેન્‍કે એક કરોડ રિયાલની નવી ચલણી નોટ બજારમાં મૂકી છે. આ રકમ કોઈને પણ કરોડપતિ જેવો અહેસાસ અપાવે, પણ ભારતીય ચલણમાં એનું મૂલ્‍ય માત્ર ૭૧૨ રૂપિયા જેટલું જ છે.

ઈરાન દ્વારા આટલી મોટી નોટ જાહેર કરવા પાછળનું મુખ્‍ય કારણ અતિશય ફુગાવો છે. વર્ષોથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને તાજેતરના ઈરાન-ઇઝરાયલ સંઘર્ષે દેશની બેન્‍કિંગ સિસ્‍ટમને હચમચાવી નાખી છે. દેશનું ચલણ રિયાલ એટલું નબળું પડી ગયું છે કે સામાન્‍ય લોકોને દૂધ, બ્રેડ અથવા શાકભાજી જેવી રોજિદી ચીજવસ્‍તુઓ ખરીદવા માટે બજારમાં નોટોનાં બંડલો લઈને જવું પડે છે. આ સમસ્‍યાને દૂર કરવા માટે સરકારે લોકોને મોટી માત્રામાં રોકડ વહન કરવાથી રાહત આપવા માટે ઉચ્‍ચ મૂલ્‍યની નોટો છાપવાનો નિર્ણય લીધો છે. જો આપણે ભારતના સંદર્ભમાં જોઈએ તો આજે પણ ૫૦૦ રૂપિયાની નોટ ખૂબ જ મોટી ખરીદશક્‍તિ ધરાવે છે, જ્‍યારે ઈરાનમાં એક કરોડ રિયાલની નોટ પણ એક સરેરાશ પરિવાર માટે એક દિવસનું રાશન ખરીદવા માટે પૂરતી નથી

(10:39 AM IST)