<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ન્‍યૂ યોર્ક રનવે પર મોતનું તાંડવઃ એર કેનેડા વિમાન અને ફાયર ટ્રક વચ્‍ચે ભયાનક ટક્કરઃ ૨ના મોતઃ ૭૦થી વધુને ઇજા

લાગાર્ડિયા એરપોર્ટ પર સર્જાયેલી આ કરુણ દુર્ઘટનામાં ૧૦૦ પ્રવાસીઓ ભરેલા વિમાનના કૂરચા બોલી ગયા

ન્‍યૂ યોર્ક, તા.૨૩: ન્‍યૂ યોર્કનું વ્‍યસ્‍ત એવા લાગાર્ડિયા એરપોર્ટ પર આજે એક એવી ઘટના બની જેણે ઉડ્ડયન જગતને હચમચાવી દીધું છે. એર કેનેડા એક્‍સપ્રેસ CRJ-900 વિમાન જ્‍યારે ટેક્‍સીવે પરથી પસાર થઈ રહ્યું હતું, ત્‍યારે અચાનક પૂરઝડપે આવતી ફાયર ફાઈટર ટ્રક તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે વિમાનના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં ફાયર ટ્રક સમયસર રોકાઈ શકી નહોતી, જેના પરિણામે આ ભયાનક અકસ્‍માત સર્જાયો હતો. વિમાનમાં સવાર ૧૦૦ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને જોતજોતામાં રનવે રક્‍તરંજિત બન્‍યો હતો.

આ કરુણ અકસ્‍માતમાં અત્‍યાર સુધીમાં બે લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્‍યારે ૭૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ખાસ વાત એ છે કે આ વિમાનમાં મોટાભાગના મુસાફરો યહૂદી યાત્રાળુઓ હતા. અકસ્‍માત બાદ તરત જ એરપોર્ટ પર ઈમરજન્‍સી જાહેર કરી દેવામાં આવી હતી અને બચાવ ટીમોએ યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે, જ્‍યાં અનેકની હાલત અત્‍યંત નાજુક હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિમાનનો ક્ષતિગ્રસ્‍ત ભાગ અને અકસ્‍માતની ભયાનકતા સ્‍પષ્ટપણે જોઈ શકાય છે. 

(11:54 AM IST)