News of Monday, 23rd March 2026
ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર એર કેનેડાનું વિમાન ફાયર ટ્રક સાથે અથડાયું : રનવે પર સર્જાયેલા અકસ્માતમાં ૪ ફાયર ફાઈટરો ગંભીર રીતે ઘાયલ
મોન્ટ્રીયલથી ન્યૂયોર્ક આવેલું વિમાન ટેક્સિંગ દરમિયાન રનવે પર ઉભેલા ઇમરજન્સી વાહન સાથે ધડાકાભેર અથડાતા એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર : ૧૦૦ મુસાફરોનો આબાદ બચાવ : એફએએ દ્વારા ફ્લાઇટ ઓપરેશન પર લગાવાયો પ્રતિબંધ

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત લા ગાર્ડિયા એરપોર્ટ પર રવિવારે મોડી રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. એર કેનેડાનું એક વિમાન લેન્ડિંગ બાદ રનવે પર ઉભેલી ફાયર બ્રિગેડની ટ્રક સાથે અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર ફાયર ફાઈટરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ટેક્સિંગ દરમિયાન સર્જાયો અકસ્માત:
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, એર કેનેડાની પેટા કંપની જેઝ એવિએશન દ્વારા સંચાલિત બોમ્બાર્ડિયર CRJ-900 વિમાન કેનેડાના મોન્ટ્રીયલથી ન્યૂયોર્ક આવ્યું હતું. મધ્યરાત્રિ પૂર્વે જ્યારે આ વિમાન રનવે નંબર ૪ પર લેન્ડ થયા બાદ ગેટ તરફ જઈ રહ્યું હતું (ટેક્સિંગ), ત્યારે અચાનક રનવે પર ઉભેલા ફાયર ફાઈટર વાહન સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માત સમયે વિમાનમાં અંદાજે ૧૦૦ મુસાફરો સવાર હતા. સદનસીબે મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જોકે તબીબી ટીમ દ્વારા તેમની તબિયતની તપાસ કરવામાં આવી રહી છે.
એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટોપ અને બચાવ કામગીરી:
અકસ્માતની જાણ થતા જ એરપોર્ટ પર તૈનાત પોલીસ, એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા તાત્કાલિક અસરથી લા ગાર્ડિયા એરપોર્ટ તરફ આવતી તમામ ફ્લાઇટ્સ માટે 'ગ્રાઉન્ડ સ્ટોપ' લાગુ કરી દીધો હતો, જેના કારણે એરપોર્ટની કામગીરી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. અગાઉ ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ શિડ્યુલ ખોરવાયું હતું, તેમાં આ દુર્ઘટનાને પગલે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલમાં એફએએ અને સ્થાનિક સત્તાવાળાઓ આ અકસ્માત પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
