News of Monday, 23rd March 2026
ઈરાન દ્વારા સંયુક્ત આરબ અમીરાત પર ૨૫ ડ્રોન અને ૪ બેલેસ્ટિક મિસાઈલો વડે ભીષણ હુમલો : યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે આકાશી પ્રહારને નિષ્ફળ બનાવતા મધ્ય-પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
તેહરાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ ૪’ હેઠળ ઈઝરાયેલના તેલ અવીવ સહિતના સુરક્ષા મથકોને ભારે મિસાઈલોથી નિશાન બનાવ્યા : ઈરાની સંસદ અધ્યક્ષની ખાડી દેશોના ઓઈલ અને પાવર પ્લાન્ટ્સ તોડી પાડવાની ઉગ્ર ધમકી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ભડકો થવાની આશંકા

દુબઈ: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. ૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે તેમની વાયુ સેનાએ ઈરાન તરફથી છોડવામાં આવેલી ૪ બેલેસ્ટિક મિસાઈલો અને ૨૫ આત્મઘાતી ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યા છે. અમીરાતના અનેક શહેરી વિસ્તારો પર આ હુમલાને કારણે પ્રચંડ ધડાકા સંભળાયા હતા, જેનાથી સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હુમલાની સાથે જ બ્રિટિશ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે અહેવાલ આપ્યો છે કે શારજાહના દરિયાકાંઠાથી ૧૫ નોટિકલ માઈલ દૂર એક માલવાહક જહાજ પાસે મોટો વિસ્ફોટ થયો હતો, જે દરિયાઈ સુરક્ષા સામે ગંભીર પડકાર ઉભો કરે છે.
તેલ અવીવ પર ઈરાનનો ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ ૪’ હેઠળ હુમલો:
બીજી તરફ, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) ઈઝરાયેલ વિરુદ્ધ ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ ૪’ ના ૭૪મા તબક્કાની જાહેરાત કરી છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અત્યંત ભારે અને આધુનિક મિસાઈલોનો ઉપયોગ કરીને ઈઝરાયેલના તેલ અવીવ, પેતાહ ટિકવા, હોલોન અને રામત ગન જેવા વિસ્તારોમાં આવેલા સૈન્ય અને સુરક્ષા મથકોને નિશાન બનાવ્યા છે. આકાશવાણીના સંવાદદાતાના અહેવાલ મુજબ, તેહરાનમાં વાતાવરણ અત્યંત આક્રમક છે અને ઈરાની નેતાઓની ધમકીઓ સતત વધી રહી છે.
ઉર્જા પ્લાન્ટ્સ અને તેલ સુવિધાઓ પર જોખમ:
ઈરાની સંસદના અધ્યક્ષે સોશિયલ મીડિયા દ્વારા આકરી ચેતવણી ઉચ્ચારી છે કે જો ઈઝરાયેલ કે અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે, તો સમગ્ર મધ્ય-પૂર્વ પ્રદેશના ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી પ્લાન્ટ્સ અને તેલ સુવિધાઓને ઈરાન દ્વારા કાયદેસરના લક્ષ્યાંક ગણવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ હુમલાઓ એટલા વિનાશક હશે કે તેનું નુકસાન ભરપાઈ કરી શકાશે નહીં અને તેના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ લાંબા સમય સુધી ઉંચા રહેશે.
લિતાની નદી પર ઈઝરાયેલની કાર્યવાહી અને હોર્મુઝની સ્થિતિ:
ઈરાની હુમલાના જવાબમાં ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ઈરાન સમર્થિત સંગઠનો પર દબાણ વધારવામાં આવશે. ઈઝરાયેલની વાયુસેનાએ લેબેનોનમાં લિતાની નદી પર આવેલા પુલો પર હવાઈ હુમલા તેજ કર્યા છે જેથી હિઝબુલ્લાહના સપ્લાય રૂટને તોડી શકાય. આ ભીષણ સંઘર્ષ વચ્ચે યુકેમાં ઈરાનના રાજદૂતે જણાવ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની ઈરાનના દુશ્મનો સિવાયના તમામ રાષ્ટ્રો માટે ખુલ્લી રહેશે, પરંતુ સલામત માર્ગ માટે તેહરાન સાથે સુરક્ષા સમજૂતી કરવી અનિવાર્ય રહેશે. વર્તમાન સ્થિતિ જોતા સમગ્ર વિશ્વની નજર અત્યારે ખાડી દેશોની સુરક્ષા પર ટકેલી છે.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
