<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ISIના જાસૂસોના નિશાને ઝારખંડનું પવિત્ર જ્‍યોર્તિલિંગ દેવઘર મંદિર

ગાઝિયાબાદથી ઝડપાયેલા પાકિસ્‍તાની એજન્‍ટોના મોબાઈલમાંથી મળ્‍યા સનસનાટીભર્યા પુરાવા : દિલ્‍હી કેન્‍ટોનમેન્‍ટથી લઈ દેવઘરના બાબા ધામ સુધી રેકી કરી વીડિયો સરહદ પાર મોકલવાનું મોટું કાવતરું ખુલ્લું પડયું

ગાઝિયાબાદ, તા.૨૩: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સુરક્ષા એજન્‍સીઓએ પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સી ISI ના એક એવા ખતરનાક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેના મૂળિયા દેશના અનેક રાજ્‍યોમાં ફેલાયેલા છે. તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, ઝારખંડનું વિશ્વ-સિદ્ધ દેવઘર મંદિર (બાબા વૈદ્યનાથ ધામ) આ આતંકી હેન્‍ડલર્સના નિશાને હતું. પકડાયેલા જાસૂસ નૌશાદ અલીને તેના પાકિસ્‍તાની આકા સરફરાઝ દ્વારા સ્‍પષ્ટ આદેશ આપવામાં આવ્‍યો હતો કે તે દેવઘર મંદિરની સુરક્ષા વ્‍યવસ્‍થાની ખામીઓ શોધે, ત્‍યાંના સંવેદનશીલ વિસ્‍તારોના વીડિયો શૂટ કરે અને ચોક્કસ GPS લોકેશન પાકિસ્‍તાન મોકલે. આ ખુલાસા બાદ સુરક્ષા એજન્‍સીઓ સતર્ક થઈ ગઈ છે અને ધાર્મિક સ્‍થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ધરપકડ કરાયેલા ત્રણેય શંકાસ્‍પદોની પૂછપરછમાં બહાર આવ્‍યું છે કે આ આખું નેટવર્ક અત્‍યંત હાઈટેક રીતે ચાલતું હતું. મુખ્‍ય આરોપી નૌશાદ અલી માત્ર દેવઘર જ નહીં, પણ દિલ્‍હી કેન્‍ટોનમેન્‍ટ જેવા અતિ સંવેદનશીલ સૈન્‍ય વિસ્‍તારોની જાસૂસીમાં પણ સામેલ હતો. તે એક ખાસ સોશિયલ મીડિયા એપ દ્વારા પાકિસ્‍તાન સ્‍થિત સરફરાઝ સાથે સતત સંપર્કમાં હતો, જે તેને જાસૂસી કરવાની ટ્રેનિંગ આપતો હતો. આ નેટવર્ક કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જાસૂસોના સંપર્કમાં રહેલી મીરા નામની મહિલાના ફોનમાંથી ૧૦૦ થી વધુ પ્રતિબંધિત અને સંવેદનશીલ સ્‍થળોના ફોટા અને વીડિયો મળી આવ્‍યા છે, જે દેશની સુરક્ષા માટે એક ગંભીર ખતરો સાબિત થઈ શકત.

આ જાસૂસી નેટવર્ક પાછળ પાકિસ્‍તાનથી ઓપરેટ થતા હવાલા કૌભાંડનો પણ મોટો હાથ હોવાનું બહાર આવ્‍યું છે. તપાસમાં જાણવા મળ્‍યું છે કે સરફરાઝ પંજાબના રૂટ દ્વારા જાસૂસોને પૈસા મોકલતો હતો, જેથી તેમનું લોકેશન ટ્રેસ ન થઈ શકે. આ ટોળકી સોશિયલ મીડિયા પર ટેકનિકલ રીતે કુશળ યુવાનોને લાલચ આપીને જાળમાં ફસાવતી હતી અને તેમની પાસે દેશ વિરોધી કળત્‍યો કરાવતી હતી. હાલમાં પોલીસ અને તપાસ એજન્‍સીઓ આ નાણાકીય વ્‍યવહારોના મૂળ સુધી પહોંચવા માટે મની ટ્રાન્‍સફર સેન્‍ટરો અને શંકાસ્‍પદ દુકાનો પર દરોડા પાડી રહી છે. આ ઓપરેશન દ્વારા એક મોટી સંભવિત આતંકી ઘટનાને સમયસર ટાળી દેવામાં આવી છે. 

(3:43 PM IST)