<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

હજ યાત્રા પૂર્વે સાઉદી સરકારનો મોટો નિર્ણય: ઉમરાહ વિઝાધારકો માટે ડેડલાઇન જાહેર, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને એન્ટ્રી નહીં મળે!

ઉમરાહ અને હજ સીઝન વચ્ચે ભીડને નિયંત્રિત કરવા કડક સમયમર્યાદા નક્કી; શવલ માસની ૧૫મી તારીખ સુધી જ પ્રવેશ મળશે અને પહેલી ઝુલ કાદા સુધીમાં પ્રસ્થાન ફરજિયાત

રિયાધ | તા.૨૩: સાઉદી અરેબિયાએ આગામી હજ સીઝન-૨૦૨૬ની ભવ્ય તૈયારીઓના ભાગરૂપે ઉમરાહ યાત્રાળુઓ માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. હજ યાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડતા ભક્તોને કારણે સર્જાતી ભીડને મેનેજ કરવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સાઉદીના હજ અને ઉમરાહ મંત્રાલયે વિઝા ઇશ્યુ કરવાની અને મુસાફરી કરવાની આખરી તારીખો નક્કી કરી દીધી છે. આ નવા નિયમ મુજબ, હવે ઉમરાહ વિઝા મેળવવાની છેલ્લી તારીખ પહેલી 'શવલ' રહેશે.
મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે મુસાફરો પાસે ઉમરાહ વિઝા છે તેઓ ૧૫મી શવલ સુધી જ સાઉદી અરેબિયામાં પ્રવેશ કરી શકશે. ત્યારબાદ કોઈ પણ યાત્રાળુને પ્રવેશ આપવામાં આવશે નહીં. આટલું જ નહીં, તમામ ઉમરાહ યાત્રાળુઓએ પહેલી 'ઝુલ કાદા' સુધીમાં સાઉદી અરેબિયા છોડવું ફરજિયાત રહેશે, જેથી હજ યાત્રાળુઓ માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી શકાય. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, આ નિર્ણય ઉમરાહ અને હજ સીઝન વચ્ચેના સંક્રમણને સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે.
ઉમરાહ વિઝા પર હજ નહીં કરી શકાય
સાઉદી હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ રબિયાએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઉમરાહ વિઝા માત્ર ઉમરાહ કરવા માટે જ છે. ઘણા લોકો ઉમરાહ વિઝા પર આવીને હજ કરવાની કોશિશ કરતા હોય છે, પરંતુ હવે તે શક્ય બનશે નહીં. હજ યાત્રા માટે અલગ અને માન્ય 'હજ વિઝા' હોવા અનિવાર્ય છે. સત્તાધિકારીઓએ જણાવ્યું છે કે જે લોકો પાસે માન્ય હજ પરમિટ નહીં હોય, તેમને પવિત્ર સ્થળોએ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
સેવાઓમાં સુધારો અને ટેકનોલોજીનો ઉપયોગ
મંત્રાલયે તમામ ઉમરાહ સેવા આપતી કંપનીઓ અને ઓપરેટરોને આદેશ આપ્યો છે કે તેઓ 'નુસુક મસાર' (Nusuk Masar) પ્લેટફોર્મ પર યાત્રાળુઓના આગમન અને પ્રસ્થાનના ડેટા સતત અપડેટ કરતા રહે. એરપોર્ટ પર થતી ભીડને રોકવા અને યાત્રાળુઓને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે આ ડિજિટલ અપડેટ્સ ખૂબ જ જરૂરી છે. સાઉદી સરકારની લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે આ વર્ષે સુરક્ષા અને સુવિધાઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.

(3:48 PM IST)