<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ટ્રમ્પની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં મોટો કડાકો : સોના-ચાંદીના ભાવ વધ્યા :ગ્લોબલ માર્કેટમાં તેજી

આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 14 ટકાનો ધરખમ ઘટાડો : અમેરિકી બજારના મુખ્ય ઇન્ડેક્સમાં ઉછાળો : ટેકનોલોજી શેરોમાં ભારે લેવાલી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાહતના સમાચાર આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, 'અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ખૂબ જ સકારાત્મક વાતચીત ચાલી રહી છે. ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઓફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 5 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે.' ટ્રમ્પની આ જાહેરાત બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. જ્યારે સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. આ સિવાય ગ્લોબલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક ઓઈલ માર્કેટમાં મોટી હલચલ જોવા મળી છે. ટ્રમ્પના નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 14 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના કારણે તેની કિંમત હવે ઘટીને 96 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI)માં પણ 14 ટકાનો ઘટાડો થયો છે. સપ્લાય ચેઈન સુરક્ષિત રહેવાની આશાએ તેલના ભાવમાં આ મોટી રાહત જોવા મળી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખુલે તેવી આશાએ બજારને રાહત આપી છે.

 

 

છેલ્લા ચાર સપ્તાહથી ચાલી રહેલી મંદીના દોર બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને ગ્લોબલ માર્કેટમાં નવા પ્રાણ ફૂંક્યા છે. ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકી બજારના મુખ્ય ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ટેકનોલોજી શેરોમાં ભારે લેવાલી નીકળી હતી, જેમાં એનવીડિયા (Nvidia) 2% અને મેટા (Meta) 1.8% જેટલા વધ્યા છે. યુદ્ધનો ખતરો ટળવાની આશાએ S&P 500 અને નાસ્ડેક (Nasdaq) માં નીચલા સ્તરેથી રિકવરી આવતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે

(6:52 PM IST)