News of Monday, 23rd March 2026
વડોદરાના આંગણે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું ભવ્ય આગમન : આદિવાસી અધિકાર સંવાદ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રીગણેશ
અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે સીધો સંવાદ : એરપોર્ટ પર કાર્યકરોએ ગજવ્યા ‘રાહુલ ગાંધી જિંદાબાદ’ના નારા

વડોદરા:ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર બપોરે ૩:૦૦ કલાકે તેમનું ઉતરાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં ઉમટી પડેલા કોંગ્રેસના કાર્યકરોએ ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું.
આદિવાસી પટ્ટાના પ્રશ્નો અંગે મંથન:
રાહુલ ગાંધીની આ મુલાકાત ખાસ કરીને ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા પર કેન્દ્રિત રહી હતી. એરપોર્ટથી તેઓ સીધા શહેરના દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં આયોજિત 'આદિવાસી અધિકાર સંવાદ' કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ સંમેલનમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ આદિવાસીઓના હક્કો અને અધિકારો માટે લડતી સંસ્થાઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ અને પડકારો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવા પ્રયાસ:
રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મહાનગરપાલિકાની જંગમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાના હેતુથી રાહુલ ગાંધીનો આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજ સાથેના સંવાદ દ્વારા કોંગ્રેસે પોતાનો પરંપરાગત જનાધાર ફરી એકઠો કરવા અને કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંકવા માટે રણનીતિ ઘડી છે. વડોદરાના કાર્યક્રમમાં જે પ્રકારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો હતો, તેનાથી આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ મુલાકાત બાદ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં પણ ભારે જોશ જોવા મળી રહ્યો છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
