<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

બોલિવૂડના 'કરણ-અર્જુન' વચ્ચે જ્યારે ખેલાયો હતો જંગ: સલીમ ખાને વર્ષો પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; "શાહરૂખ-સલમાન ક્યારેય મિત્ર ન હોઈ શકે, તેઓ માત્ર હરીફ છે"

૧૮ વર્ષ પહેલા કેટરિનાની બર્થડે પાર્ટીમાં થયેલી એ 'ભયાનક' લડાઈ અને ઐશ્વર્યા રાયનો ઉલ્લેખ; જાણો કેવી રીતે બાબા સિદ્દીકીની એક ઈફ્તાર પાર્ટીએ પાંચ વર્ષનું મૌન તોડી દુશ્મનીને દોસ્તીમાં બદલી

નવી દિલ્હી: બોલિવૂડમાં અનેક વિવાદો થયા છે, પરંતુ શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેની એ ફેમસ લડાઈ જેવું કદાચ કંઈ જ નથી. એક સમયે જીવજાન મિત્ર ગણાતા આ બંને સુપરસ્ટાર્સ વચ્ચે જ્યારે અણબનાવ થયો, ત્યારે આખા ઉદ્યોગમાં સોંપો પડી ગયો હતો. આ વિવાદના મૂળ સુધી પહોંચતા સલમાન ખાનના પિતા અને દિગ્ગજ લેખક સલીમ ખાને ત્યારે એક એવી વાત કહી હતી જે આજે પણ બોલિવૂડના ગલીયારાઓમાં ગુંજે છે.
સલીમ ખાને તે સમયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "શું બે મોટા હરીફો (Competitors) ક્યારેય મિત્ર હોઈ શકે ખરા? તેમની વચ્ચે સૌજન્ય હોઈ શકે, તેઓ એકબીજાને જન્મદિવસની શુભેચ્છા આપી શકે કે ફિલ્મ હિટ જવા પર અભિનંદન પાઠવી શકે, પરંતુ ઉચ્ચ સ્તરની હરીફાઈ વચ્ચે સાચી મિત્રતા હોવી મુશ્કેલ છે." સલીમ ખાનના મતે, જ્યારે બે વ્યક્તિઓ એક જ સ્તર પર સર્વોચ્ચ બનવા માટે લડતા હોય, ત્યારે તેમની વચ્ચે મતભેદો અનિવાર્ય છે.
 
કેટરિનાની પાર્ટી અને એ કાળી રાતનું રહસ્ય
૧૬ જુલાઈ, ૨૦૦૮ની એ રાત આજે પણ ફેન્સ ભૂલી શક્યા નથી. બાંદ્રાની ઓલિવ્સ રેસ્ટોરન્ટમાં કેટરિના કૈફની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. અહેવાલો મુજબ, સલમાન ખાને મજાક-મજાકમાં શાહરૂખને તેના શોના સંદર્ભમાં 'પાંચમા ધોરણનો વિદ્યાર્થી' કહી દીધો હતો. વિવાદ ત્યારે વધ્યો જ્યારે સલમાન ઐશ્વર્યા રાય બચ્ચન વિશે કેટલીક ટિપ્પણીઓ કરવા લાગ્યો અને શાહરૂખે તેને મર્યાદામાં રહેવા ટોક્યો. મામલો એટલો બિચક્યો કે બોલિવૂડના આ બંને 'ખાન' વચ્ચે હાથાપાઈની નોબત આવી ગઈ હતી.
પાંચ વર્ષનું મૌન અને એક જાદુઈ ઝપ્પી
આ ઝઘડા બાદ બંને સ્ટાર્સે પાંચ વર્ષ સુધી એકબીજા સાથે વાત સુદ્ધાં કરી નહોતી. છેવટે ૨૦૧૩માં બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં ચમત્કાર થયો. આયોજકોએ શાહરૂખને સલીમ ખાનની બાજુમાં બેસાડ્યો હતો. જ્યારે સલમાન સામે આવ્યો, ત્યારે શાહરૂખે ઉભા થઈને તેને ગળે લગાડ્યો હતો. એ એક ક્ષણમાં પાંચ વર્ષની કડવાશ ઓગળી ગઈ અને બોલિવૂડને તેના 'કરણ-અર્જુન' પાછા મળ્યા.
હવે દોસ્તીની નવી મિસાલ
આજે આ બંને વચ્ચે એવી ગાઢ મિત્રતા છે કે તેઓ એકબીજાની ફિલ્મોમાં કેમિયો કરવાનું ચૂકતા નથી. 'પઠાણ'માં સલમાનની એન્ટ્રી હોય કે 'ઝીરો'માં બંનેનો સાથે ડાન્સ, ફેન્સ આ જોડીને હંમેશા આવકારે છે. સલીમ ખાનની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી આજે આ બંને હરીફો દુનિયા માટે મિત્રતાનું ઉદાહરણ બની ગયા છે.

(7:07 PM IST)