<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

પંજાબના પૂર્વ મંત્રી લાલજીત સિંહ ભુલ્લરની ધરપકડ: વેરહાઉસિંગ અધિકારીની આત્મહત્યાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી; મૃત્યુ પહેલા વીડિયોમાં મંત્રી પર લગાવ્યા હતા ગંભીર આરોપો

"મંત્રીના ડરથી મેં ઝેર પીધું છે..." - અધિકારીના અંતિમ શબ્દોએ મચાવ્યો હડકંપ; ટેન્ડર માટે દબાણ, મારપીટ અને બંદૂકની અણીએ ધમકાવવાના આરોપમાં જેલના સળિયા ગણશે પૂર્વ પરિવહન મંત્રી

અમૃતસર: પંજાબના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનના જિલ્લા મેનેજર (DM) ગગનદીપ સિંહ રંધાવાની આત્મહત્યાના મામલે રાજ્યના પૂર્વ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ભુલ્લર ઉપરાંત તેમના પિતા સુખદેવ સિંહ અને અંગત સહાયક દિલબાગ સિંહ વિરુદ્ધ પણ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ પંજાબની ભગવંત માન સરકાર અને વિપક્ષો વચ્ચે રાજકીય ખેલા જંગ તેજ બન્યો છે.
ઘટનાની વિગત મુજબ, ડીએમ ગગનદીપ સિંહ રંધાવાએ શનિવારે વહેલી સવારે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા તેમણે એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેમણે રડતા-રડતા કહ્યું હતું કે, "તમારા મિત્રએ મંત્રી લાલજીત ભુલ્લરના ડરથી સલ્ફા પીધી છે, હવે હું બચીશ નહીં." આ વીડિયો વાયરલ થતા જ મંત્રી ભુલ્લરે તે જ દિવસે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું પડ્યું હતું.
 
ટેન્ડર ફાળવણી અને બંદૂકની અણીએ ધમકીના આરોપો
મૃતક અધિકારીની પત્ની ઉપિન્દર કૌરે પોલીસ ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપ છે કે મંત્રી ભુલ્લર તેમના પિતા સુખદેવ સિંહના નામે વેરહાઉસનું ટેન્ડર પાસ કરાવવા માટે રંધાવા પર સતત દબાણ કરી રહ્યા હતા. ગત ૧૩ માર્ચના રોજ રંધાવાને મંત્રીના નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને બંદૂકની અણીએ તેમની પાસે પરાણે કબૂલાત કરાવવામાં આવી હતી કે તેમણે અન્ય પાર્ટી પાસેથી ૧૦ લાખ રૂપિયાની લાંચ લીધી છે. આ માનસિક ત્રાસ અને અપમાન સહન ન થતા અધિકારીએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
 
પરિવારનું ૨૪ કલાકનું અલ્ટીમેટમ અને ધરપકડ
સોમવારે સવારે મૃતક રંધાવાના પરિવારે સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે જો મંત્રીની ધરપકડ નહીં થાય તો તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર કરશે નહીં અને બાળકો સાથે રસ્તા પર ઉતરશે. પરિવારના ભારે આક્રોશ અને સોશિયલ મીડિયા પર વધતા દબાણને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પૂર્વ મંત્રીની ધરપકડ કરી લીધી છે.
પોલીસ હાલમાં આ મામલે મંત્રીના અંગત સહાયક અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ કરી રહી છે. પંજાબમાં એક ઉચ્ચ અધિકારીની આ રીતે આત્મહત્યા અને તેમાં કેબિનેટ મંત્રીનું નામ આવવું એ વહીવટીતંત્ર માટે શરમજનક ઘટના માનવામાં આવી રહી છે.

(7:28 PM IST)