News of Monday, 23rd March 2026
ભારતના 'વોટર પાવર'થી પાકિસ્તાન ફફડ્યું: સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થતા રાષ્ટ્રપતિ ઝરદારીએ ભારત સામે રોદણાં રડ્યા; કહ્યું- "પાણીને હથિયાર બનાવી રહ્યું છે ભારત"
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાનમાં પાણીની તંગી; ઝરદારીએ 'હાઇડ્રોટેરરિઝમ'નો લગાવ્યો આરોપ અને જૂની સંધિ પુનઃસ્થાપિત કરવા કરી આજીજી

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર 'પાણી'એ આગ લગાડી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને સસ્પેન્ડ કરવાનો જે કડક નિર્ણય લીધો છે, તેનાથી પાકિસ્તાનમાં ભારે ફફડાટ ફેલાયો છે. વિશ્વ જળ દિવસના અવસરે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એક સંદેશ જાહેર કરીને ભારત પર પ્રહારો કર્યા છે અને સંધિ તોડવાને કારણે પાકિસ્તાની જનતાને પડતી મુશ્કેલીઓની લાંબી યાદી રજૂ કરી છે.
ઝરદારીએ ભારતના આ પગલાને 'હાઇડ્રોટેરરિઝમ' (જળ આતંકવાદ) ગણાવતા કહ્યું કે, ભારત રાજકીય દબાણ લાવવા માટે પાણીના પ્રવાહનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ભારત દ્વારા હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરવાનું બંધ કરી દેવાતા અને સંધિને સ્થગિત કરી દેવાતા પાકિસ્તાનમાં ખોરાક અને આર્થિક સુરક્ષા જોખમમાં મુકાઈ છે.
પાકિસ્તાનમાં પાણી માટે હાહાકાર: મહિલાઓ કલાકો સુધી ભટકે છે
રાષ્ટ્રપતિ ઝરદારીએ પાકિસ્તાની પરિવારોની દયનીય સ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું કે, સંધિ સસ્પેન્ડ થવાથી દેશના ઘણા ભાગોમાં સ્વચ્છ પાણીની ભારે અછત સર્જાઈ છે. તેમણે લખ્યું:
• દૂરના સ્ત્રોતો પર નિર્ભરતા: પાકિસ્તાની પરિવારોએ હવે દૂરના અથવા અસુરક્ષિત પાણીના સ્ત્રોતો પર આધાર રાખવો પડે છે.
• શિક્ષણને અસર: મહિલાઓ અને નાની છોકરીઓએ પાણી લાવવા માટે દરરોજ કલાકો સુધી ભટકવું પડે છે, જેના કારણે તેઓ શાળાએ જઈ શકતી નથી કે અન્ય કામ કરી શકતી નથી.
• આરોગ્યનું જોખમ: શુદ્ધ પાણીના અભાવે પાકિસ્તાનમાં ગંભીર બીમારીઓ ફેલાવવાનું જોખમ પણ વધી ગયું છે.
વાતચીતની આજીજી અને યુદ્ધનો ડર
એક તરફ ભારત પર ગંભીર આરોપો લગાવતા ઝરદારીએ બીજી તરફ ભારત સાથે વાતચીતની હિમાયત પણ કરી છે. તેમણે કહ્યું કે, "ભારતીય નેતાઓ બીજા યુદ્ધની તૈયારીની વાતો કરે છે, પરંતુ હું પ્રાદેશિક શાંતિ ઈચ્છું છું." તેમણે ભારતને અપીલ કરી છે કે યુદ્ધના રસ્તે જવાને બદલે વાતચીતનો માર્ગ અપનાવવો જોઈએ, કારણ કે પ્રાદેશિક સુરક્ષા માટે તે જ એકમાત્ર રસ્તો છે.
ભારતનું કડક વલણ
ઉલ્લેખનીય છે કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે 'લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં'. સરહદ પારથી થતા આતંકવાદને કારણે ભારતે આ કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન ભલે આને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવતું હોય, પરંતુ ભારત પોતાની સુરક્ષા અને હિતોને સર્વોપરી રાખીને આગળ વધી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનની આ અપીલ પર ભારતનો આગામી પ્રતિભાવ શું રહે છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
