<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ખેડૂતો માટે ડિજિટલ ક્રાંતિ: હવે OTP વગર જ પીએમ કિસાનનું e-KYC થશે પૂર્ણ; માત્ર 'ફેસ સ્કેન' કરવાથી મિનિટોમાં જમા થશે ₹૬,૦૦૦ની સહાય

CSC સેન્ટર કે બેંકના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા સ્માર્ટફોનથી ચહેરો બતાવીને કરી શકાશે વેરિફિકેશન; આગામી હપ્તો મેળવવા માટે ખેડૂતોએ આ સરળ સ્ટેપ્સ અનુસરવા પડશે

રાજકોટ: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ₹૬,૦૦૦ની આર્થિક સહાય મેળવતા દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે e-KYC પૂર્ણ કરવાની પ્રક્રિયા પહેલા કરતા ઘણી વધુ સરળ અને આધુનિક બની ગઈ છે. અગાઉ ખેડૂતોએ આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર આવતા OTP માટે રાહ જોવી પડતી હતી અથવા બાયોમેટ્રિક માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવું પડતું હતું, પરંતુ હવે ખેડૂતો માત્ર પોતાના ચહેરાને સ્કેન કરીને એટલે કે 'ફેસ ઓથેન્ટિકેશન' દ્વારા આ પ્રક્રિયા મિનિટોમાં પૂરી કરી શકશે.
સરકારનો ઉદ્દેશ્ય છે કે અંતરિયાળ ગામડાઓમાં રહેતા ખેડૂતો, જેમને ટેકનિકલ મુશ્કેલીઓ નડે છે, તેઓ કોઈના પર નિર્ભર રહ્યા વગર પોતાની જાતે જ KYC પૂર્ણ કરી શકે. આ નવી સુવિધાથી ખેડૂતોનો સમય અને નાણાં બંનેની બચત થશે.
 
કેવી રીતે કરશો ફેસ વેરિફિકેશન? જાણો સરળ સ્ટેપ્સ
પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ઇ-કેવાયસી પૂર્ણ કરવાની રીત નીચે મુજબ છે:
•    એપ ડાઉનલોડ: સૌ પ્રથમ Google Play Store પરથી 'PM Kisan' ઓફિશિયલ એપ ડાઉનલોડ કરો.
•    લોગિન: તમારા આધાર નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા લોગિન કરો.
•    ફેસ ઓથેન્ટિકેશન: એપમાં આપેલા 'e-KYC' વિભાગમાં જઈને 'Face Authentication' વિકલ્પ પસંદ કરો.
•    સ્કેનિંગ: તમારો ફ્રન્ટ કેમેરો ઓપન થશે. પૂરતા પ્રકાશમાં તમારો ચહેરો કેમેરા સામે રાખો. થોડી સેકન્ડમાં સ્કેનિંગ પૂર્ણ થતા જ તમારું KYC સક્સેસફુલ થઈ જશે.
 
KYC કેમ અનિવાર્ય છે?
પીએમ કિસાન યોજનાનો લાભ માત્ર સાચા અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી જ પહોંચે અને કોઈ છેતરપિંડી ન થાય તે માટે સરકારે e-KYC ફરજિયાત બનાવ્યું છે. જો કોઈ ખેડૂત આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમનો આગામી હપ્તો અટકી શકે છે. ખાસ કરીને જે ખેડૂતોના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી, તેમના માટે આ 'ફેસ સ્કેન' પદ્ધતિ વરદાન સાબિત થશે.
હવે ખેડૂતોએ કોઈ પણ ટેકનિકલ જાણકાર પાસે જવાની જરૂર નથી, બસ એક સ્માર્ટફોન અને પીએમ કિસાન એપ દ્વારા તેઓ પોતાનું વેરિફિકેશન જાતે જ કરી શકશે. જો તમે હજુ સુધી આ પ્રક્રિયા પૂરી નથી કરી, તો આજે જ કરી લેવી હિતાવહ છે.

(7:39 PM IST)