<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ટાલિયાપણું હવે ભૂતકાળ! વૈજ્ઞાનિકોએ લેબમાં ઉગાડ્યા અસલ માનવ વાળ, ટ્રાન્સપ્લાન્ટની દુનિયામાં આવશે મોટું તોફાન

દુનિયાભરના લાખો પુરુષો અને મહિલાઓ માટે વરદાન સમાન સમાચાર : વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ ટેકનોલોજીની મદદથી પ્રયોગશાળામાં કુદરતી માનવ વાળ ઉગાડવામાં સફળતા મેળવી : ટૂંક સમયમાં મોંઘા અને મર્યાદિત હેર ટ્રાન્સપ્લાન્ટનો કાયમી વિકલ્પ બનશે.

નવી દિલ્હી: વિજ્ઞાને અશક્યને શક્ય કરી બતાવ્યું છે. અત્યાર સુધી ટાલ પડવાની સમસ્યાનો એકમાત્ર ઈલાજ હેર ટ્રાન્સપ્લાન્ટ હતો, જેમાં માથાના પાછળના ભાગના વાળ કાઢીને આગળ લગાવવામાં આવતા હતા. પરંતુ જો કોઈ વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં 'ડોનર' વાળ ન હોય, તો આ પ્રક્રિયા નિષ્ફળ જતી હતી. હવે, સંશોધકોએ બાયોએન્જિનિયરિંગ અને સ્ટેમ સેલનો ઉપયોગ કરીને લેબમાં જ અસલ માનવ વાળના ફોલિકલ્સ (મૂળ) વિકસાવ્યા છે. આ કોઈ આર્ટિફિશિયલ ફાઈબર કે વિગ નથી, પરંતુ માનવ શરીરના કોષોમાંથી જન્મેલા જીવંત વાળ છે, જેની રચના અને મજબૂતી આપણા કુદરતી વાળ જેવી જ છે.

બાયોકેમિકલ રિસર્ચમાં થયેલા આ ખુલાસા મુજબ, આ નવી ટેકનોલોજી 'એન્ડ્રોજેનેટિક એલોપેસીયા' એટલે કે વારસાગત ટાલિયાપણાથી પીડાતા યુવાનો માટે સંજીવની સમાન છે. લેબમાં તૈયાર થયેલા આ વાળને ગમે તેટલી માત્રામાં ઉગાડી શકાય છે, જેનો અર્થ એ છે કે જેમના માથા પર એક પણ વાળ નથી, તેમને પણ હવે ભરચક વાળ મળી શકશે. આ પ્રક્રિયામાં વ્યક્તિના પોતાના જ કોષોનો ઉપયોગ થતો હોવાથી, શરીર આ નવા વાળને નકારશે નહીં (રિજેક્શનની સમસ્યા નહીં રહે) અને કુદરતી રીતે જ તેનો વિકાસ થતો રહેશે.

જોકે, આ ચમત્કારિક સારવાર અત્યારે પ્રયોગશાળાના સ્તરે સફળ રહી છે અને ટૂંક સમયમાં તેના હ્યુમન ટ્રાયલ્સ (માનવ પરીક્ષણો) શરૂ કરવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી થોડા વર્ષોમાં આ ટેકનોલોજી સામાન્ય લોકો માટે ક્લિનિક્સમાં ઉપલબ્ધ થઈ જશે. એકવાર આ પદ્ધતિ વ્યવહારિક બની જાય પછી ટાલિયાપણું માત્ર એક પસંદગીનો વિષય બની જશે, મજબૂરી નહીં. મોંઘા તેલ, કેમિકલયુક્ત સીરમ અને અસફળ ઈલાજો પાછળ હજારો રૂપિયા ખર્ચનારા લોકો માટે આ સમાચાર એક નવી આશાનું કિરણ લઈને આવ્યા છે.

(7:53 PM IST)