<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

PSL 2026 પર આતંકી હુમલાનો ડર : ડેવિડ વોર્નર સહિતના સ્ટાર ખેલાડીઓને પાકિસ્તાની સશસ્ત્ર જૂથની ખુલ્લી ધમકી : શું રદ થશે ટુર્નામેન્ટ?

સશસ્ત્ર જૂથ 'જમાત-ઉલ-અહરાર' દ્વારા વિદેશી ખેલાડીઓને પાકિસ્તાન ન આવવાની કડક ચેતવણી આપતા હવે ડેવિડ વોર્નર જેવા દિગ્ગજોના જીવ જોખમમાં મુકાયા

કરાચી: પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝન શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને આંતરિક અસ્થિરતા વચ્ચે હવે આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના જૂથ 'જમાત-ઉલ-અહરાર' એ વિદેશી ખેલાડીઓને સીધી ધમકી આપી છે. આ જૂથના કમાન્ડરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો વિદેશી બોર્ડ તેમના ખેલાડીઓને પાકિસ્તાન મોકલશે, તો તેમની સુરક્ષાની જવાબદારી તેમની રહેશે નહીં. આ ધમકી પાછળનો હેતુ ટુર્નામેન્ટમાં વિઘ્ન નાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને અલગ-થલગ કરવાનો હોવાનું જણાય છે, જેના કારણે હવે ડેવિડ વોર્નર જેવા સ્ટાર ખેલાડીઓના પાકિસ્તાન પ્રવાસ પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે.

પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે PCB એ સુરક્ષાના કારણોસર આખી ટુર્નામેન્ટ માત્ર બે શહેરોમાં અને તે પણ ખાલી સ્ટેડિયમમાં (દર્શકો વિના) રમાડવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સરહદી વિવાદમાં 400 લોકોના મોત બાદ અફઘાન સમર્થિત જૂથો બદલો લેવાની ફિરાકમાં છે. આ જ ડરને કારણે પાકિસ્તાની સશસ્ત્ર જૂથો હવે PSL ને નિશાન બનાવી રહ્યા છે. આ આતંકી સંગઠનોનું માનવું છે કે જો તેઓ કોઈ વિદેશી ખેલાડીને નુકસાન પહોંચાડશે, તો આ મુદ્દો વૈશ્વિક સ્તરે ગાજશે અને પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી જશે. આ સંજોગોમાં IPL ની ભવ્યતા સામે PSL અત્યારે જીવન-મરણના સંગ્રામ જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.

ક્રિકેટ જગતમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખેલાડીઓ પોતાની જિંદગી જોખમમાં મૂકીને પાકિસ્તાન જશે? ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર સહિતના અનેક ખેલાડીઓ માટે આ ધમકી ચિંતાનો વિષય છે. ભૂતકાળમાં શ્રીલંકન ટીમ પર થયેલા હુમલાની યાદો હજુ તાજી છે, ત્યારે ફરી એકવાર પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ગ્રહણ લાગતું દેખાય છે. જો ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ કે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ સુરક્ષાના કારણોસર તેમના ખેલાડીઓને પરત બોલાવી લેશે, તો PSL 2026 રદ કરવી પડી શકે છે. હાલમાં પાકિસ્તાન સરકાર અને સૈન્ય હાઈ એલર્ટ પર છે, પરંતુ આતંકી જૂથોના આક્રમક તેવર જોતા ક્રિકેટપ્રેમીઓમાં ફફડાટ ફેલાયો છે.

(7:53 PM IST)