<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ટ્રમ્પનો 'શાંતિ પ્રસ્તાવ' કે ઈરાનનો 'ખૌફ'? 48 કલાકના અલ્ટીમેટમ બાદ અમેરિકાની પીછેહઠ પર તેહરાનનો સનસનીખેજ દાવો

વિશ્વ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સીધા જંગની રાહ જોઈ રહ્યું હતું, ત્યારે ટ્રમ્પના 'પાંચ દિવસના વિરામ'ના નિર્ણયે નવો વળાંક આપ્યો : ટ્રમ્પ જ્યારે આને 'સકારાત્મક વાટાઘાટો' ગણાવી રહ્યા છે, ત્યારે ઈરાને વળતો પ્રહાર કરતા કહ્યું છે કે અમેરિકા કોઈ વાતચીતથી નહીં પણ અમારા વળતા હુમલાના ડરથી પાછળ હટ્યું છે

તહેરાન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે અત્યારે માનસિક યુદ્ધ ચરમસીમાએ છે. ટ્રમ્પે અચાનક જાહેર કર્યું કે તેમણે યુએસ સંરક્ષણ વિભાગને આગામી પાંચ દિવસ સુધી ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો ન કરવા સૂચના આપી છે, કારણ કે બંને દેશો વચ્ચે 'ખૂબ જ ઉત્પાદક' વાતચીત થઈ છે. જોકે, આ દાવા પર પાણી ફેરવતા ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે આવી કોઈ જ સત્તાવાર વાતચીત થઈ નથી. ઈરાનનું કહેવું છે કે જ્યારે ટ્રમ્પે 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અથવા વિનાશ સહન કરવાની ધમકી આપી, ત્યારે તેહરાને મધ્ય પૂર્વમાં આવેલા તમામ અમેરિકી સૈન્ય મથકો અને પાવર ગ્રીડને ફૂંકી મારવાની વળતી ચેતવણી આપી હતી. ઈરાન મુજબ, આ 'મજબૂત ઈરાદા' જોઈને ટ્રમ્પ પોતાના નિવેદન પરથી પલટી મારી ગયા છે.

આ વિવાદના મૂળમાં હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી અને ઉર્જા સુરક્ષા રહેલી છે. ટ્રમ્પે અગાઉ ચીમકી આપી હતી કે જો ઈરાન રસ્તો નહીં ખોલે તો તેના ઉર્જા માળખાનો નાશ કરવામાં આવશે, જેના જવાબમાં ઈરાને પણ 'ઈંટનો જવાબ પથ્થરથી' આપવાની તૈયારી બતાવી હતી. હવે ટ્રમ્પ પાંચ દિવસનો સમય માંગી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે નવી યોજના બનાવવામાં આવશે. પરંતુ ઈરાન આને અમેરિકાની નબળાઈ તરીકે રજૂ કરી રહ્યું છે. તેહરાનનું માનવું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર સમજી ગયું છે કે ઈરાન પરનો કોઈ પણ હુમલો સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાના હિતોને જોખમમાં મૂકશે અને તેલના ભાવોમાં એવો ઉછાળો લાવશે જે અમેરિકી અર્થતંત્ર સહન નહીં કરી શકે.

હાલમાં પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પની જાહેરાત બાદ યુદ્ધવિરામ જેવી સ્થિતિ તો સર્જાઈ છે, પરંતુ બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો સદંતર અભાવ છે. ઈરાને હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સરકારી નિવેદન જારી કર્યું નથી, જે સૂચવે છે કે પડદા પાછળ હજુ પણ ખેંચતાણ ચાલુ છે. જો પાંચ દિવસ પછી પણ હોર્મુઝ સ્ટ્રેટનો વિવાદ ઉકેલાશે નહીં, તો મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના નગારા વાગી શકે છે. દુનિયાભરના રાજદ્વારીઓ અત્યારે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શું ખરેખર કોઈ ગુપ્ત સોદો થયો છે કે પછી આ માત્ર તોફાન પહેલાની શાંતિ છે. પાંચ દિવસની આ 'મહોલત' બાદ જ ખબર પડશે કે ટ્રમ્પનું આગામી કદમ શું હશે.

(8:01 PM IST)