હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારના 'ડોન'ની લેન્ડ ક્રુઝરમાં એન્ટ્રી: જેલના દરવાજા ખુલતા જ અનંત સિંહનું શક્તિપ્રદર્શન, પટનામાં દિવાળી જેવો માહોલ
દુલારચંદ યાદવ હત્યા કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ 'નાના સરકાર' તરીકે ઓળખાતા બાહુબલી નેતા અનંત સિંહ બેઉર જેલમાંથી મુક્ત : જેલ બહાર ઉભેલી લક્ઝરી લેન્ડ ક્રુઝર અને હજારો સમર્થકોના કાફલાએ બિહારના રાજકીય તાપમાનમાં રાતોરાત વધારો કરી દીધો

પટણા : પટનાની બેઉર જેલના દરવાજા અનંત સિંહ માટે ખુલતાની સાથે જ દ્રશ્યો કોઈ ફિલ્મી ક્લાઈમેક્સ જેવા સર્જાયા હતા. લગભગ ચાર મહિનાના જેલવાસ બાદ બહાર આવેલા અનંત સિંહનું સ્વાગત કરવા માટે સમર્થકોનું કીડીયારું ઉભરાયું હતું. સફેદ લેન્ડ ક્રુઝરમાં સવાર થઈને જ્યારે તેઓ રવાના થયા, ત્યારે જેલથી તેમના નિવાસસ્થાન સુધીના ૬ કિલોમીટરના રસ્તા પર વાહનોની લાંબી કતારો અને વિજયી સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા. જેલમાંથી બહાર નીકળતા જ તેમણે મક્કમ લહેજામાં જણાવ્યું કે, "મેં સમર્થકોને વચન આપ્યું હતું કે હું જલ્દી બહાર આવીશ, અને જુઓ હું આવી ગયો છું."
અનંત સિંહની મુક્તિને તેમના સમર્થકોએ એક ભવ્ય શક્તિપ્રદર્શનમાં ફેરવી દીધી છે. પટના સ્થિત તેમના નિવાસસ્થાને ૧૦,૦૦૦ થી વધુ લોકો માટે શાહી મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં બ્લેકબેરીથી લઈને રસગુલ્લા સુધીની અસંખ્ય મીઠાઈઓ અને ૧૦ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. મોકામાથી આવેલા હજારો કાર્યકરો માટે રહેવા અને નાસ્તાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉજવણી માત્ર એક નેતાની મુક્તિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ બિહારના આગામી રાજકીય સમીકરણોમાં અનંત સિંહના વધતા પ્રભુત્વનો સંકેત પણ આપી રહી છે.
આવતીકાલે સવારે અનંત સિંહ પોતાના ગઢ ગણાતા મોકામા જવા રવાના થશે, તે પહેલા તેઓ બરહિયામાં માતા દેવીના દર્શન કરી આશીર્વાદ લેશે. જેલની બહાર સુરક્ષા માટે તૈનાત પોલીસ કાફલો પણ સમર્થકોના ઉત્સાહ સામે વામણો સાબિત થયો હતો. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે અનંત સિંહની આ મુક્તિ અને ત્યારબાદ જે પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું છે, તે આવનારા દિવસોમાં બિહાર વિધાનસભા અને લોકસભાના બાકીના સમીકરણો પર મોટી અસર પાડી શકે છે. હાલ તો પટનાથી મોકામા સુધી 'નાના સરકાર'ના નામના નારાઓ સાથે મિજબાનીનો દોર શરૂ થઈ ચૂક્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
