<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

સોનું-ચાંદી નહીં, હવે 'ગેસ' પર છે ચોરોની નજર! પ્રયાગરાજમાં ઘરેણાં છોડીને રાંધણ ગેસના સિલિન્ડર ઉઠાવી જતી ગેંગ સક્રિય

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચોરોની એક એવી ગેંગ ફૂટી નીકળી છે જેમને તિજોરીના દાગીનામાં નહીં પણ રસોડાના ગેસ સિલિન્ડરમાં રસ : દારાગંજ વિસ્તારમાં ચોરોએ એક ઘરમાં ઘૂસીને કિંમતી સામાનને સ્પર્શ પણ ન કર્યો અને સાંકળથી બાંધેલું સિલિન્ડર તોડીને લઈ ગયા

પ્રયાગરાજ : દેશભરમાં રાંધણ ગેસની સર્જાયેલી અછત વચ્ચે હવે ચોરોની પ્રાથમિકતા બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રયાગરાજના દારાગંજ વિસ્તારમાં જ્ઞાનચંદ્ર નામના વ્યક્તિના ઘરે મધ્યરાત્રિએ ત્રાટકેલા ચોરોએ અજબ પરાક્રમ કર્યું હતું. નવાઈની વાત એ છે કે ચોરો જે રૂમમાં ઘૂસ્યા ત્યાં સોના-ચાંદીના ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓ પડી હતી, પરંતુ તે બધું છોડીને તેઓ સીધા રસોડામાં પહોંચ્યા હતા. જ્ઞાનચંદ્રે બે દિવસ પહેલા જ ભારે મુશ્કેલીથી ગેસ એજન્સીમાંથી સિલિન્ડર મેળવ્યું હતું અને સુરક્ષા માટે તેને લોખંડની સાંકળથી બાંધી રાખ્યું હતું, છતાં ચોરો સાંકળ તોડીને માત્ર સિલિન્ડર જ ઉઠાવી ગયા હતા.

માત્ર દારાગંજ જ નહીં, પરંતુ પ્રયાગરાજના બહરિયા વિસ્તારમાં પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં જલાલપુર સિકંદરામાં આવેલી એક ઇન્ટર કોલેજના સ્ટોરરૂમમાં ચોરોએ હાથફેરો કરીને ગેસ સિલિન્ડર અને અગ્નિશામક સાધનોની ચોરી કરી હતી. જોકે, આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા સૂરજ ધુરિયા નામના એક શખ્સની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે હાલના કપરા સમયમાં ગેસ સિલિન્ડર ચોરો માટે સોના કરતા પણ વધુ કિંમતી સાબિત થઈ રહ્યા છે, કારણ કે બજારમાં તેની કાળાબજારી અને અછત ચરમસીમાએ છે.

સ્થાનિક લોકો આ ઘટનાને 'આપત્તિમાં અવસર' શોધતા ચોરોની ગેંગ તરીકે જોઈ રહ્યા છે. જે રીતે ચોરો અન્ય કોઈ પણ ચીજવસ્તુને અડ્યા વગર માત્ર ગેસ સિલિન્ડર ટાર્ગેટ કરી રહ્યા છે, તેનાથી ગૃહિણીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે. ગેસની અછતને કારણે સર્જાયેલું આ નવું 'ક્રાઈમ ટ્રેન્ડ' હવે પોલીસ માટે માથાનો દુખાવો બની ગયું છે. વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ગેસ સિલિન્ડર સુરક્ષિત જગ્યાએ રાખે અને અજાણ્યા શખ્સોની હિલચાલ પર નજર રાખે.

(10:14 PM IST)