ઇઝરાયેલમાં હાલમાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત: વિદેશ મંત્રાલય દ્વારા 24x7 હેલ્પલાઇન જાહેર :ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત
તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસ સતત ત્યાંના સ્થાનિક સત્તાવાળાઓ અને ભારતીય ડાયસ્પોરાના સંપર્કમાં

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર સંઘર્ષ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ઇઝરાયેલમાં વસતા ભારતીય સમુદાય માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે સોમવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલમાં હાલમાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, અગાઉ એક ભારતીય નાગરિક ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળ્યા હતા, પરંતુ હાલમાં તેમની સ્થિતિ સ્થિર અને સુરક્ષિત છે. તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસ સતત ત્યાંના સ્થાનિક સત્તાવાળાઓ અને ભારતીય ડાયસ્પોરાના સંપર્કમાં છે.
જોકે, આ ભીષણ યુદ્ધની અસરોથી ભારતીય પરિવારો સંપૂર્ણપણે અલિપ્ત નથી રહ્યા. વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, આ પ્રાદેશિક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 6 ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 1 વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરની જ એક દુઃખદ ઘટનામાં, ગયા બુધવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં એક ભારતીયનું મૃત્યુ થયું હતું. આ સિવાય, ફેબ્રુઆરીમાં ઓમાનમાં થયેલા હુમલામાં 2 ભારતીયો અને યુદ્ધના પ્રારંભિક તબક્કામાં વેપારી જહાજો પર થયેલા હુમલામાં 3 ભારતીય ખલાસીઓના મોત નીપજ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભામાં સંબોધન કરતા આ સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે કટિબદ્ધ છે. તેમણે ઇરાન અને અન્ય આરબ દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તણાવ ઘટાડવા અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં વસતા અંદાજે 10 મિલિયન ભારતીયો માટે 24x7 હેલ્પલાઇન નંબર (+972-54-7520711) અને ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. સરકાર સતત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો અને સપ્લાય ચેઇન પરની અસરોનું નિરીક્ષણ કરી રહી છે જેથી ભારતીય અર્થતંત્ર અને નાગરિકોના હિતોનું રક્ષણ કરી શકાય. મંત્રાલયે ભારતીયોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સ્થાનિક સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
