<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

પત્‍નીએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢયું

૪ વર્ષના લગ્નજીવનનો કરૂણ અંતઃ પ્રેમ સંબંધમાં અડચણ બની રહેલા પતિને રસ્‍તામાંથી હટાવવા માટે પત્‍નીએ પોતાના પ્રેમી સાથે મળીને ભયાનક કાવતરું ઘડ્‍યું: ગળું દબાવી હત્‍યા : પોલીસે કાર્યવાહી કરતા આરોપી પત્‍ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે

બાલોતરા તા.૨૪: રાજસ્‍થાનના બાલોતરાથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. પત્‍નીએ બોયફ્રેન્‍ડ સાથે મળીને પોતાના જ પતિની હત્‍યા કરી દીધી છે. આરોપ છે કે ઝઘડો થતા પત્‍નીએ કોલ કરીને પોતાના પ્રેમીને બોલાવ્‍યો હતો. ત્‍યારબાદ બંનેએ ગળું દબાવીને યુવકની હત્‍યા કરી દીધી હતી. પોલીસે આ મામલે પત્‍ની અને તેના બોયફ્રેન્‍ડ (સરકારી શિક્ષક)ને કસ્‍ટડીમાં લઈને પૂછપરછ કરી તો બંનેએ તેની હત્‍યા કરી હોવાની કબૂલાત કરી હતી.

મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના બાલોતરા જિલ્‍લાના ગીડા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની છે. ગીડા પોલીસ સ્‍ટેશનના અધિકારી દલપત સિહના જણાવ્‍યા અનુસાર, ૨૩ વર્ષીય મહેન્‍દ્ર મેઘવાલ (પિતા પ્રેમારામ, રહેવાસી મલવા ગોયલાન)ના લગ્ન આશરે ૪ વર્ષ પહેલા બાગુંડીની રહેવાસી અનુ દેવી (ઉં.વ.૨૩) સાથે થયા હતા. લગ્ન બાદથી જ પતિ-પત્‍ની વચ્‍ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. સમાજના લોકોએ પણ ઘણી વખત બંને વચ્‍ચે સમજાવટના પ્રયાસો કર્યા હતા.

તપાસમાં સામે આવ્‍યું છે કે, અનુ તેના પતિ મહેન્‍દ્રને પસંદ નહોતી કરતી, તેની સાથે રહેવા પણ નહોતી માગતી. પત્‍ની, પતિને અન્‍ય કોઈ સાથે સંબંધ હોવાની વાત પણ કહેતી હતી. આ બાબતે જ પતિ-પત્‍ની વચ્‍ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.

૨૧ માર્ચની સવારે જ્‍યારે મહેન્‍દ્ર ઘરની બહાર ન નીકળ્‍યો, ત્‍યારે બાજુની ઢાણીમાં રહેતા પરિવારના સભ્‍યોને શંકા ગઈ. પરિવારજનો જ્‍યારે ઘરે પહોંચ્‍યા અને મહેન્‍દ્ર વિશે પૂછ્‍યું, ત્‍યારે અનુએ તેમને કહ્યું કે તેઓ રૂમમાં સૂઈ રહ્યા છે. રૂમમાં જઈને જોયું તો મહેન્‍દ્રનો મૃતદેહ ખાટલા પર પડ્‍યો હતો. તેના ગળા પર ઈજાના નિશાન પણ હતા.

ગળા પર નિશાન જોઈને પરિવારજનોને શંકા ગઈ હતી, તેથી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને ગીડા હોસ્‍પિટલના શબઘરમાં રખાવ્‍યો હતો. ત્‍યારબાદ પોસ્‍ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્‍યો હતો.

મૃતક મહેન્‍દ્રના ભાઈ મગારામના રિપોર્ટ પર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતકની પત્‍ની અનુને કસ્‍ટડીમાં લઈને પૂછપરછ કરી તો તેણે પોતાના પ્રેમી અમરારામ વિશે જણાવ્‍યું હતું. પોલીસે અમરારામને કસ્‍ટડીમાં લઈને બંનેની પૂછપરછ કરી તો બંનેએ મહેન્‍દ્રની હત્‍યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલમાં, પોલીસે બંનેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

અનુનો પ્રેમી અમરારામ ચિડિયા પંચાયતના બારૂપાલોની વસતિમાં આવેલી પ્રાથમિક શાળામાં થર્ડ ગ્રેડ એટલે કે ધોરણ ૧થી ૮નો શિક્ષક છે. મૃતક મહેન્‍દ્ર કાપડની ફેક્‍ટરીમાં કામ કરવાની સાથે ખેતીકામ પણ કરતો હતો.

(9:56 AM IST)