<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશઃ ૧૧૦ના મોત

વિમાન ઉડાન ભરતી વખતે અચાનક દુર્ઘટનાગ્રસ્‍ત થયું. વિમાનમાં મોટી સંખ્‍યામાં સૈન્‍ય જવાનો સવાર હતા

કોલંબિયા,તા.૨૪: દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્‍યાં એરફોર્સનું શક્‍તિશાળી લોકહીડ C-130 હરક્‍યલિસ વિમાન ટેકઓફ દરમ્‍યાન ક્રેશ થઈ ગયું. દુર્ઘટના એક ભયાનક હતી કે વિમાનમાં આગ લાગી ગઈ અને ઘટનાસ્‍થળ પર અફરાતફરી મચી ગઈ. કોલંબિયાના રક્ષામંત્રી Pedro Arnulfo Sanchezના જણાવ્‍યા અનુસાર, આ દુર્ઘટના પ્‍યૂર્ટો લેગુઈઝામો વિસ્‍તારમાં થઈ હતી. જ્‍યાં વિમાન ઉડાન ભરતી વખતે અચાનક દુર્ઘટનાગ્રસ્‍ત થયું. વિમાનમાં મોટી સંખ્‍યામાં સૈન્‍ય જવાનો સવાર હતા, જેના કારણે આ દુર્ઘટનાની ભયાનકતા વધી ગઈ છે.

પ્રાથમિક રિપોર્ટ્‍સમાં લગભગ ૧૧૦ લોકોના મોત થવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે. જો કે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દુર્ઘટના બાદ વિમાનમાં લાગેલી આગથી રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્‍કેલી આવી રહી છે. ઘટનાની તરત બાદ સૈન્‍ય અને રાહત ટીમો ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે. ઘાયલોને કાઢવા અને આગ ઠારવાનું કામ ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્‍તારને સીલ કરી દીધો છે. હાલમાં દુર્ઘટનાના કારણો સ્‍પષ્ટ નથી થયા. ટેકનિકલી ખરાબી, માનવીય ચૂક અથવા અન્‍ય કારણોની તપાસ થઈ રહી છે.

રક્ષા મંત્રીએ કહ્યું કે પીડિતો અને તેમના પરિવારોને દરેક શક્‍ય મદદ કરવામાં આવી રહી છે. આખી ઘટનાની ઉચ્‍ચ સ્‍તરીય તપાસ કરવામાં આવશે. સરકારે લોકોને અપીલ કરી છે કે ખાલી સત્તાવાર જાણકારી પર જ વિશ્વાસ કરો અને કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવો. 

(10:21 AM IST)