News of Tuesday, 24th March 2026
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ પણ હવે અમેરિકા સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર
હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ટ્રમ્પની ચેતવણી બાદ વાટાઘાટો શરૂ, જોકે ઈરાનના ફાર્સ ન્યૂઝ દ્વારા અમેરિકા સાથે કોઈપણ પ્રકારની સીધી કે આડકતરી વાતચીતનો સ્પષ્ટ ઇનકાર કરાયો.

તેલ અવીવ: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો કરવા અને સંભવિત કરાર પર પહોંચવા માટે સંમત થયા છે.
ઇઝરાયેલી મીડિયાને ટાંકીને અલ અરેબિયાના અહેવાલમાં આ રાજદ્વારી પહેલની નોંધ લેવામાં આવી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે રવિવારથી બંને દેશો વચ્ચે મંત્રણા ચાલી રહી છે અને કેટલાક મુખ્ય મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે.
આ મંત્રણામાં ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને મધ્યપૂર્વના વિશેષદૂત સ્ટીવ વિટકોફ ઈરાની પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.
ટ્રમ્પે મોજતબા ખામેનેઈને અત્યંત સન્માનિત નેતા ગણાવ્યા હતા અને ૫ દિવસનો યુદ્ધ વિરામ જાહેર કરી પૂરતો સમય આપવાની જાહેરાત કરી છે.
આ સકારાત્મક વલણને પગલે ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ અને ઊર્જા કેન્દ્રો પર હુમલા કરવાની તેમની અગાઉની ધમકી હાલ પૂરતી મોકૂફ રાખી છે.
અગાઉ ઈરાને પણ ચેતવણી આપી હતી કે જો અમેરિકા તેના વીજળી ગ્રીડ પર હુમલો કરશે તો તે અખાતમાં અમેરિકન બેઝને વીજળી પૂરી પાડતા ઇઝરાયેલી મથકોને નિશાન બનાવશે.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ૪૮ કલાકમાં હોર્મુઝની સામુદ્રધુનીને જહાજોની અવરજવર માટે સંપૂર્ણ રીતે ખોલવામાં નહીં આવે તો ઈરાનના ઊર્જા મથકોનો નાશ કરવામાં આવશે. નોંધનીય છે કે વિશ્વના ૨૦ ટકા ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસનો પુરવઠો આ માર્ગ પરથી પસાર થાય છે.
બીજી તરફ, ઈરાનની સ્થાનિક ફાર્સ ન્યૂઝ એજન્સીએ એક સૂત્રના હવાલેથી અમેરિકા સાથેની કોઈપણ પ્રત્યક્ષ કે પરોક્ષ વાતચીતનો સંપૂર્ણ ઇનકાર કર્યો છે, જે આ સમગ્ર મામલે એક અલગ જ ચિત્ર ઊભું કરે છે.*
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
