News of Tuesday, 24th March 2026
જેડીયુમાં ‘નીતિશ યુગ'નો પુનઃ પ્રારંભઃ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તાજપોશી
રાજ્યસભાના નવા સફર સાથે નીતિશ કુમારે ફરી સંભાળ્યું પાર્ટીનું સુકાન

પટના, તા.૨૪: બિહારના રાજકારણના ચાણકય ગણાતા નીતિશ કુમાર ફરી એકવાર જનતા દળ (યુનાઈટેડ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મંગળવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા રિર્ટનિંગ ઓફિસર અનિલ પ્રસાદ હેગડેએ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. તાજેતરમાં જ મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં ગયેલા નીતિશ કુમાર હવે સંપૂર્ણપણે રાષ્ટ્રીય સ્તરે પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બપોરે ૨:૩૦ કલાકે લલ્લન સિંહ અને સંજય ઝા જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેમને ચૂંટણીનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
આ પદભાર એવા સમયે આવ્યો છે જ્યારે જેડીયુ એનડીએ ગઠબંધન સાથે મજબૂતીથી જોડાયેલી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૨૩માં લલ્લન સિંહના રાજીનામા બાદ નીતિશ કુમારે જવાબદારી લીધી હતી અને ત્યારબાદ બિહારમાં મહાગઠબંધન છોડીને ભાજપ સાથે નવું સમીકરણ રચ્યું હતું. હવે જ્યારે તેઓ પોતે દિલ્હીના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે, ત્યારે પાર્ટી પર પોતાની પકડ જાળવી રાખવા માટે તેમણે ફરી પ્રમુખ પદ સ્વીકાર્યું છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ભલે સત્તાના સમીકરણો બદલાય, પણ જેડીયુમાં અંતિમ નિર્ણય તો નીતિશ કુમારનો જ રહેશે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારનો રાજકારણમાં પ્રવેશ છે. નીતિશ કુમારના રાજ્યસભામાં ગયા બાદ બિહારમાં સત્તાની કમાન કોણ સંભાળશે તે અંગે સસ્પેન્સ યથાવત છે, પરંતુ નિશાંત કુમારને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ફેરબદલ બિહારના આગામી રાજકીય ભવિષ્ય અને જેડીયુમાં વારસાના રાજકારણની નવી શરૂઆત તરફ નિર્દેશ કરે છે. આગામી દિવસોમાં બિહારના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત સાથે જ રાજ્યમાં એક નવા રાજકીય પ્રકરણનો ઉદય થશે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
