News of Tuesday, 24th March 2026
કેનેડામાં વસતા ભારતીયો માટે ખુશખબર: હવે માતા-પિતાને બોલાવવા હશે સાવ સરળ, 31 માર્ચથી સુપર વિઝાના નિયમોમાં મોટી છૂટછાટ
સ્પોન્સરશિપ માટે આવકના કડક નિયમો હળવા કરાયા; હવે દાદા-દાદી કે માતા-પિતાની પોતાની કમાણી પણ વિઝા મેળવવામાં થશે મદદરૂપ

ટોરોન્ટો, તા. 24: કેનેડામાં સ્થાયી થયેલા લાખો ભારતીયો, ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે એક આનંદના સમાચાર આવ્યા છે. કેનેડા સરકાર આગામી 31 માર્ચ, 2026 થી 'પેરેન્ટ્સ અને ગ્રાન્ડપેરેન્ટ્સ સુપર વિઝા' (PGP) માટેના આવકના ધોરણોમાં ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. આ નવા નિયમોને કારણે હવે સામાન્ય આવક ધરાવતા પરિવારો પણ તેમના વડીલોને લાંબા સમય માટે કેનેડા બોલાવી શકશે.
શું બદલાયું? હવે વિઝા મેળવવું કેમ આસાન બનશે?
અત્યાર સુધી સુપર વિઝા મેળવવા માટે યજમાન (કેનેડામાં રહેતા પુત્ર/પુત્રી) એ છેલ્લા એક જ વર્ષના ટેક્સ રિપોર્ટના આધારે પોતાની ઊંચી આવક સાબિત કરવી પડતી હતી. પરંતુ નવી વ્યવસ્થા મુજબ:
• બે વર્ષનું મૂલ્યાંકન: હવે માત્ર છેલ્લા એક વર્ષના બદલે, છેલ્લા બે વર્ષની સરેરાશ આવક ધ્યાને લેવામાં આવશે. જો કોઈ એક વર્ષમાં આવક ઓછી રહી હોય, તો પણ બીજા વર્ષની સારી આવક તેને બેલેન્સ કરી શકશે.
• વડીલોની આવકની ગણતરી: સૌથી મોટો ફેરફાર એ છે કે હવે મુલાકાતે આવનાર માતા-પિતા કે દાદા-દાદીની પોતાની આવકનો અમુક હિસ્સો પણ કુલ આવકમાં ઉમેરી શકાશે. આનાથી સ્પોન્સર કરનાર બાળકો પર આર્થિક બોજ ઘટશે.
સુપર વિઝાનો ફાયદો: આ વિઝા 10 વર્ષની માન્યતા ધરાવે છે, જેમાં વડીલો એકસાથે 5 વર્ષ સુધી કેનેડામાં રોકાઈ શકે છે. વારંવાર વિઝા રિન્યુ કરાવવાની કે ભારત પાછા ફરવાની ઝંઝટમાંથી આ મુક્તિ અપાવે છે.
અરજી માટેની લઘુત્તમ આવક અને શરતો
નવા નિયમો મુજબ, એક વ્યક્તિના પરિવાર માટે લઘુત્તમ આવક મર્યાદા આશરે CA $30,526 (અંદાજે ₹18.5 લાખ) થી શરૂ થાય છે, જે પરિવારના સભ્યોની સંખ્યા મુજબ વધતી જાય છે. અરજદારે કેનેડાની બહારથી જ અરજી કરવાની રહેશે અને ઓછામાં ઓછા એક વર્ષનો ખાનગી મેડિકલ ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત રહેશે.
કેનેડા સરકારનો આ નિર્ણય ખાસ કરીને એવા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ મોંઘવારી અને આર્થિક મંદીને કારણે પોતાના વડીલોને સ્પોન્સર કરવામાં મુશ્કેલી અનુભવતા હતા. 31 માર્ચ પછી પ્રક્રિયા હેઠળની તમામ જૂની અરજીઓને પણ આ નવા અને ઉદાર નિયમોનો લાભ મળશે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
