<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

કેનેડામાં સ્ટુડન્ટ વિઝા કૌભાંડનો પર્દાફાશ: 1.50 લાખ વિદ્યાર્થીઓએ નિયમો તોડ્યા, છતાં તપાસના નામે મીંડું!

ઓડિટર જનરલના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો; ખોટા દસ્તાવેજો રજૂ કરનારા 800 ગઠિયાઓ સામે પણ કોઈ કાર્યવાહી નહીં, હવે કેનેડામાં જ વસી ગયા

ઓટાવા, તા. 24: કેનેડાના પ્રતીક્ષિત ઓડિટર જનરલ રિપોર્ટ 2026 એ આંતરરાષ્ટ્રીય શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટ મુજબ, કેનેડાના ઇમિગ્રેશન વિભાગની રહેમનજર હેઠળ હજારો વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટના નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. સૌથી આઘાતજનક વાત એ છે કે, 1,50,000 થી વધુ વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં હોવા છતાં, તંત્રએ તેમની સામે આંખ આડા કાન કર્યા છે.
તપાસ માટે બજેટ નથી કે દાનત?
રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2023 અને 2024 દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓએ જ 1.53 લાખ એવા વિદ્યાર્થીઓની ઓળખ કરી હતી જેઓ કાં તો ક્લાસમાં આવતા નહોતા અથવા તો તેમનું રજિસ્ટ્રેશન રદ થઈ ગયું હતું. આટલી મોટી સંખ્યા હોવા છતાં, વિભાગ પાસે વર્ષે માત્ર 2,000 કેસોની તપાસ કરવાનું જ ભંડોળ હતું! પરિણામે, લાખો વિદ્યાર્થીઓ કોઈ પણ રોકટોક વગર કેનેડામાં રહી રહ્યા છે.
ક્રાઇમ ફાઇલ: વર્ષ 2018 થી 2023 વચ્ચે 800 એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓએ નકલી ડિગ્રી અથવા અસ્તિત્વમાં જ ન હોય તેવી કોલેજોના દસ્તાવેજો રજૂ કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ છેતરપિંડી પકડાઈ ગયા પછી પણ વિભાગે તેમની સામે કોઈ 'ફોલો-અપ' કાર્યવાહી કરી નહીં.
છેતરપિંડી કરનારાઓ હવે કેનેડાના 'કાયમી રહીશ'?
આ ઓડિટમાં સૌથી ગંભીર ચિંતા એ વ્યક્ત કરવામાં આવી છે કે, જે 800 લોકોએ છેતરપિંડી કરી હતી, તેમાંથી 92% લોકોએ પાછળથી વર્ક પરમિટ અથવા 'પરમેનન્ટ રેસીડન્સી' (PR) માટે અરજી પણ કરી દીધી છે. જો તે સમયે જ તેમની ફાઇલ પર રેડ ફ્લેગ મૂકવામાં આવ્યો હોત, તો તેઓ આજે કેનેડામાં ગેરકાયદેસર રીતે રહી શક્યા ન હોત.
આ રિપોર્ટ બાદ કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઉભા થયા છે. જે વિદ્યાર્થીઓ ખરેખર ભણવા માંગે છે તેમને વિઝા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે બીજી તરફ નિયમો તોડનારાઓ સિસ્ટમની નબળાઈનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ઓડિટર જનરલે ચેતવણી આપી છે કે જો આ બિન-પાલનકારી વલણ ચાલુ રહેશે, તો કેનેડાના સ્ટુડન્ટ વિઝા પ્રોગ્રામની ગરિમા જળવાશે નહીં.

(3:27 PM IST)