News of Tuesday, 24th March 2026
આદિત્ય બિરલા ગ્રુપ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોનના કન્સોર્ટિયમે $1.78 બિલિયન (આશરે ₹16,600 કરોડ) માં RCB ફ્રેન્ચાઈઝી ખરીદી : આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સોદો
યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસેથી મેન્સ અને વિમેન્સ બંને ટીમોનું 100% અધિગ્રહણ : આર્યમન વિક્રમ બિરલા ચેરમેન અને સત્યન ગજવાણી વાઇસ-ચેરમેન તરીકે સંભાળશે જવાબદારી : બીસીસીઆઈની મંજૂરી બાદ માલિકી માળખામાં થશે ફેરફાર

મુંબઈ:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝી પૈકીની એક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હવે નવા માલિકો હસ્તક જશે. આદિત્ય બિરલા ગ્રુપ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોન વચ્ચે આ ફ્રેન્ચાઈઝીની મેન્સ અને વિમેન્સ બંને ટીમોના 100% હિસ્સાના અધિગ્રહણ માટે કરાર થયા છે. આ સોદો અંદાજે $1.78 બિલિયન એટલે કે ભારતીય ચલણમાં આશરે ₹16,600 કરોડમાં થયો છે.
નવું નેતૃત્વ અને માળખું:
આ ટ્રાન્ઝેક્શન ડિયાજિયો પીએલસીની પેટા કંપની યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL) પાસેથી કરવામાં આવ્યું છે. આ સોદા બાદ 2026 ની એડિશન પછી ફ્રેન્ચાઈઝીના નવા માળખામાં આદિત્ય બિરલા ગ્રુપના ડાયરેક્ટર આર્યમન વિક્રમ બિરલા ચેરમેન તરીકે અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપના સત્યન ગજવાણી વાઇસ-ચેરમેન તરીકે સેવા આપશે. આ સંપાદન હવે બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરીને આધીન છે.
કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે આઈપીએલ હવે વૈશ્વિક સ્પોર્ટિંગ પાવરહાઉસ બની ગયું છે અને આરસીબી જેવી મજબૂત ફ્રેન્ચાઈઝી સાથે જોડાવું એ ગૌરવની વાત છે. બીજી તરફ સત્યન ગજવાણીએ ઉમેર્યું હતું કે આરસીબી હાલમાં ચેમ્પિયન અને સૌથી લોકપ્રિય બ્રાન્ડ છે, જેને આગામી સમયમાં વૈશ્વિક સ્પોર્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે વિકસાવવામાં આવશે.
બ્રાન્ડ વેલ્યુ અને સિદ્ધિઓ:
વર્ષ 2008 માં જ્યારે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે યુનાઈટેડ સ્પિરિટ્સે માત્ર $111.6 મિલિયન (આશરે ₹485 કરોડ) માં આ બેંગલોર ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. 2023 માં મેનેજમેન્ટે ₹901 કરોડ ચૂકવીને વિમેન્સ ટીમ (WPL) મેળવી હતી. નોંધનીય છે કે આરસીબીએ 2024 માં ડબલ્યુપીએલ અને ત્યારબાદ 2025 માં પોતાનું પ્રથમ આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.
વિરાટભાઈ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમની લોકપ્રિયતા આસમાને પહોંચી હતી. રજત પાટીદારે ટીમની કમાન સંભાળી તે પહેલા વિરાટ કોહલીએ લાંબા સમય સુધી નેતૃત્વ કર્યું હતું. 2025 માં બ્રાન્ડ ફાઈનાન્સ દ્વારા આરસીબીને મુંબઈ ઈન્ડિયન્સ પછીની બીજી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ ગણાવવામાં આવી હતી. આ ટીમ સાથે ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ, અનિલ કુંબલે અને ગ્લેન મેક્સવેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ જોડાયેલા રહ્યા છે.
આ સોદાની રેસમાં અદાર પૂનાવાલા, રંજન પાઈ, ઈક્યુટી (EQT) અને માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક ગ્લેઝર ફેમિલી જેવા બિડર્સ પણ સામેલ હતા, પરંતુ આખરે આદિત્ય બિરલા ગ્રુપના નેતૃત્વવાળા કન્સોર્ટિયમે બાજી મારી છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
