હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'ધુરંધર 2' પર શીખ સમુદાયની નારાજગી અને FIR: આર. માધવને વીડિયો શેર કરી માંગી માફી, ધૂમ્રપાનના વિવાદ પર આપી મોટી સ્પષ્ટતા
દશમ ગ્રંથની પંક્તિઓ વખતે સિગારેટ પીવાનો લાગ્યો આરોપ: માધવને કહ્યું- 'મેં પંક્તિઓ બોલતા પહેલા જ સિગારેટ બુઝાવી દીધી હતી, હું શીખ ધર્મનો આદર કરું છું'

મુંબઈ: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ 'ધુરંધર: ધ રીવેન્જ' (ધુરંધર 2) અત્યારે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ છે. ફિલ્મમાં ગુરુ ગોવિંદ સિંહજીના પવિત્ર 'દશમ ગ્રંથ'ની પંક્તિઓના કથિત અપમાન બદલ શીખ સમુદાય દ્વારા નિર્માતાઓ અને સ્ટાર કાસ્ટ સામે FIR દાખલ કરવામાં આવી છે. આ ગંભીર આરોપો વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા આર. માધવને સામે આવીને પોતાની સફાઈ રજૂ કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં શિવસેના (શિંદે જૂથ) ના નેતા ગુર્જ્યોત સિંહ કીર દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપ છે કે એક દ્રશ્યમાં આર. માધવન દશમ ગ્રંથની પવિત્ર પંક્તિઓ બોલી રહ્યો છે અને તે જ સમયે તે ધૂમ્રપાન કરતો જોવા મળે છે. શીખ સમુદાયના મતે આ પવિત્ર ગુરબાનીનું ઘોર અપમાન છે, જેને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
માધવને વીડિયો દ્વારા કરી સ્પષ્ટતા
વિવાદ વધતા આર. માધવને એક સ્પષ્ટતા કરતો વીડિયો જાહેર કર્યો છે. તેણે જણાવ્યું કે, "આ એક મોટી ગેરસમજ છે. શૂટિંગ દરમિયાન દિગ્દર્શક આદિત્ય ધરે મને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ પંક્તિઓ અત્યંત પવિત્ર છે, તેથી તે બોલતા પહેલા સિગારેટ બુઝાવી દેવી. મેં પંક્તિઓ શરૂ કરતા પહેલા જ સિગારેટ બુઝાવી દીધી હતી અને ખાતરી કરી હતી કે દ્રશ્ય દરમિયાન મારા મોંમાંથી ધુમાડો ન નીકળે." માધવને વધુમાં ઉમેર્યું કે તે હંમેશા કોઈ પણ ફિલ્મ રિલીઝ થતા પહેલા સુવર્ણ મંદિરના આશીર્વાદ લેવા જાય છે અને તે ક્યારેય કોઈની લાગણી દુભાવવાનું વિચારી પણ શકે નહીં.
નિર્માતાઓ અને ડાયરેક્ટરનું મૌન
માધવને પોતાની ભૂલ સ્વીકારીને અથવા ગેરસમજ દૂર કરીને માફી માંગી લીધી છે, પરંતુ ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બીજી તરફ, શીખ સંગઠનો આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. માધવને અંતમાં ભાવુક થઈને કહ્યું હતું કે, "જો જાણી-અજાણ્યે કોઈનું અપમાન થયું હોય, તો અમે દિલથી માફી માંગીએ છીએ, અમે શીખ સમુદાયની સાથે છીએ."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
