<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

તેલ અવીવમાં કાળઝાળ વિનાશ: ઈરાની ક્લસ્ટર મિસાઈલે ઇઝરાયલનું અભેદ્ય ગણાતું સુરક્ષા કવચ વીંધી નાખ્યું!

૧૦૦ કિલો વિસ્ફોટકો સાથેની મિસાઈલ રસ્તા વચ્ચે ફાટતા ત્રણ ઇમારતો જમીનદોસ્ત, અનેક વાહનો રાખ : ટ્રમ્પની શાંતિ મંત્રણાના દાવા વચ્ચે ગલ્ફ દેશોમાં પણ મિસાઈલ સાયરન ગાજ્યા : સાઉદીએ ૨૦ ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો

તેલ અવીવ:  મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું મહાયુદ્ધ હવે અત્યંત ભયાનક અને અનિયંત્રિત વળાંક પર પહોંચી ગયું છે. મંગળવારે ઇઝરાયલની હાઈ-ટેક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને ખુલ્લો પડકાર ફેંકતા ઈરાને તેલ અવીવના હાર્દ સમાન વિસ્તારમાં સીધો મિસાઈલ હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રો અને 'ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ'ના અહેવાલ મુજબ, આશરે ૧૦૦ કિલો વિસ્ફોટકોથી સજ્જ ઈરાની ક્લસ્ટર મિસાઈલ તેલ અવીવના વ્યસ્ત રસ્તા પર ત્રાટકી હતી. આ પ્રચંડ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકની ત્રણ મોટી ઇમારતોના ફુરચા ઉડી ગયા હતા અને અનેક વાહનો સળગીને રાખ થઈ ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ યુદ્ધવિરામની વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ થયેલા આ લોહિયાળ હુમલાએ શાંતિની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

ઇઝરાયલે પણ આ હુમલાનો બદલો લેવા માટે ઈરાન પર 'ઓપરેશન રોરિંગ લાયન' હેઠળ રાત્રિના સમયે વિનાશક બોમ્બમારો કર્યો હતો. IDF (ઇઝરાયલી સંરક્ષણ દળો) એ દાવો કર્યો છે કે તેમણે ઈરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના બેઝ, કમાન્ડ સેન્ટર્સ અને શસ્ત્ર ભંડારો પર ૫૦ થી વધુ હવાઈ હુમલા કર્યા છે. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, ઇઝરાયલે ઇસ્ફહાનમાં ગેસ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ અને ખોરમશહર પાવર પ્લાન્ટની પાઇપલાઇનને નિશાન બનાવીને ઈરાનના ઉર્જા માળખાને તોડવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પના 'પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો નહીં થાય' તેવા આશ્વાસન છતાં આ હુમલાઓ થતા ઈરાનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

યુદ્ધની આ જ્વાળાઓ હવે માત્ર ઈઝરાયલ-ઈરાન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર ગલ્ફ દેશોમાં પ્રસરી ગઈ છે. મંગળવારે રાત્રે કુવૈત, બહેરીન અને સાઉદી અરેબિયામાં પણ હુમલાના સાયરન ગુંજી ઉઠ્યા હતા. કુવૈતમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીના કાટમાળથી પાવર લાઈનો તૂટી પડતા કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો. બીજી તરફ, સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે તેમણે તેમના પૂર્વીય પ્રાંત તરફ આવી રહેલા ૨૦ જેટલા ઈરાની ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. મધ્ય-પૂર્વની આ વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભું છે.

(10:32 PM IST)