News of Tuesday, 24th March 2026
પંડ્યા બ્રધર્સના અતૂટ પ્રેમમાં પડી તિરાડ? કૃણાલના જન્મદિવસે હાર્દિકનું 'મૌન' અને ભાભીની પોસ્ટમાંથી બાદબાકીએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો
હાર્દિક પંડ્યાએ મોટા ભાઈને સોશિયલ મીડિયા પર ન પાઠવી શુભેચ્છા: શું નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથેની નિકટતા બની રહી છે લોહીના સંબંધોમાં અંતરનું કારણ?

મુંબઈ: ક્રિકેટ જગતમાં જેમના પ્રેમ અને બોન્ડિંગના ઉદાહરણો આપવામાં આવતા હતા, તે પંડ્યા બ્રધર્સ એટલે કે હાર્દિક અને કૃણાલ પંડ્યા વચ્ચે અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું તેવી અટકળોએ જોર પકડ્યું છે. તાજેતરમાં કૃણાલ પંડ્યાના જન્મદિવસે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર રહસ્યમય મૌન જાળવી રાખતા ચાહકો ચોંકી ઉઠ્યા છે. હંમેશા એકબીજા માટે પોસ્ટ મૂકતા આ ભાઈઓ વચ્ચે હવે વાતચીત પણ બંધ છે કે શું, તેવો પ્રશ્ન નેટીઝન્સ પૂછી રહ્યા છે.
ભાભી પંખુરીની પોસ્ટમાં હાર્દિક ક્યાંય નથી!
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કૃણાલની પત્ની પંખુરી શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેણે કૃણાલની હિંમત અને શાંતિના વખાણ કર્યા, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ફેમિલી આલ્બમ જેવી આ તસવીરોમાં હાર્દિક પંડ્યા ક્યાંય જોવા મળ્યો નહોતો. એટલું જ નહીં, હાર્દિકના પુત્ર અગસ્ત્યનો ઉલ્લેખ હતો પણ હાર્દિકને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. ચાહકોએ તરત જ ટિપ્પણીઓમાં પૂછવાનું શરૂ કર્યું, "શું હાર્દિકે તેના ભાઈને વિશ પણ નથી કર્યું?"
વર્લ્ડ કપની જીત વખતે જ સર્જાયા હતા શંકાના બીજ
આ અફવાઓ કંઈ આજકાલની નથી. ભારતની ઐતિહાસિક T20 વર્લ્ડ કપ જીત બાદ જ્યારે આખો દેશ હાર્દિક પંડ્યાના ગુણગાન ગાતો હતો, ત્યારે તેના પોતાના ભાઈ કૃણાલ અને ભાભી પંખુરી તરફથી કોઈ જ જાહેર અભિનંદન સંદેશ આવ્યો નહોતો. સ્ટેડિયમમાં ઉજવણી દરમિયાન પણ કૃણાલની ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા હતા. લોહીના સંબંધોમાં આવેલી આ ઠંડક હવે જગજાહેર થઈ રહી હોય તેમ લાગે છે.
શું 'નવું કનેક્શન' છે વિવાદનું મૂળ?
સોશિયલ મીડિયા પર ચર્ચાતી વાતો મુજબ, હાર્દિક પંડ્યાની જિંદગીમાં આવેલી નવી એન્ટ્રી આ અણબનાવનું કારણ હોઈ શકે છે. હાર્દિક અત્યારે ફેશન મોડેલ માહિકા શર્મા સાથે ખાસ સંબંધો ધરાવે છે તેવી ચર્ચા છે. એવું મનાય છે કે હાર્દિકની પર્સનલ લાઈફમાં આવેલા આ બદલાવને કારણે પરિવારમાં મતભેદો સર્જાયા હોઈ શકે છે. જોકે, હજુ સુધી બંને ભાઈઓ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
