News of Wednesday, 25th March 2026
ફિલ્મ દિગ્દર્શક પર સગીરાઓ સાથે ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપો
કુંભમેળાની ‘વાયરલ ગર્લ'નો સનસનીખેજ ખુલાસો : વાયરલ ગર્લ મોનાલિસાએ નિર્દેશક સનોજ મિશ્રા સામે ખોલ્યો મોરચો

મુંબઇ તા.૨૫: મહાકુંભ મેળામાં પોતાની સુંદરતાથી સોશિયલ મીડિયા પર રાતોરાત પ્રસિદ્ધ થયેલી વાયરલ ગર્લ મોનાલિસા દ્વારા ફિલ્મ દિગ્દર્શક સનોજ મિશ્રા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાએ બોલિવૂડ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
વાયરલ ગર્લ તરીકે ઓળખાતી મોનાલિસાએ ફિલ્મી દુનિયાના જાણીતા નિર્દેશક સનોજ મિશ્રા પર સગીરાઓ સાથે ગેરવર્તણૂક કરવાનો સનસનીખેજ આરોપ મૂક્યો છે. મોનાલિસાએ દાવો કર્યો છે કે, તેને ફિલ્મમાં કામ આપવાના બહાને બોલાવવામાં આવી હતી, અને ત્યારબાદ ત્યાં હાજર અન્ય નાની વયની છોકરીઓ સાથે પણ અયોગ્ય વ્યવહાર કરવામાં આવતો હતો. આ બાબતે તેણે પોલીસ પ્રશાસન અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે.
પોતાના નિવેદનમાં મોનાલિસાએ જણાવ્યું છે કે ફિલ્મ સેટ પરનું વાતાવરણ અત્યંત અસુરક્ષિત હતું. દિગ્દર્શક પોતાની સત્તાનો દુરુપયોગ કરીને નવી કલાકારોને માનસિક ત્રાસ આપતા હતા. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને લોકો આ મામલે કડક તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાથી મનોરંજન ઉદ્યોગમાં કલાકારોની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન મોનાલિસાના કેટલાક ફોટા વાયરલ થયા હતા, જેના કારણે તેને આખા દેશમાં ઓળખ મળી હતી. આ લોકપ્રિયતા જોઈને અનેક ફિલ્મ નિર્માતાઓએ તેને ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપી હતી. મોનાલિસાએ ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે આ ક્ષેત્રમાં કદમ મૂક્યો હતો, પરંતુ શરૂઆતના તબક્કે જ તેને આવા કડવા અનુભવોનો સામનો કરવો પડ્યો છે. હાલમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં મોનાલિસાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા મોટો વિવાદ ઉભો થયો હતો. જેમાં મોનાલિસાને બ્રેક આપનાર ડાયરેક્ટર સનોજ મિશ્રાએ તેના લગ્નને લવજેહાદ ગણાવ્યો હતો.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
