<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

આયાતી ખાદ્યતેલના ભાવમાં વધારો થશે

અમેરિકા-બ્રાઝિલથી સોયાબિન, મલેશિયા-ઈન્‍ડોનેશિયાથી પામોલિનની આયાત : આગામી દિવસોમાં ૧ કિલોએ ૪ થી ૫ રૂપિયાનો વધારો થવાની સંભાવના

મુંબઈ,તા.૨૫: ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્‍ચે ખાડી યુદ્ધ લાંબો સમય જારી રહેશે તો પામોલિન, સન ફલાવર, સોયાબીન સહિતના આયાતી ખાદ્યતેલના ભાવ સાધારણ વધશે.

શહેરમાં મલેશિયા-ઇન્‍ડોનેશિયા સહિત અન્‍ય દેશમાંથી પામોલિન તેલ આયાત કરાય છે. લોકલ માર્કેટમાં ૧ કિલોનો ભાવ રૂ.૧૫૦ જેટલો છે. જેનો સૌથી વધુ ઉપયોગ ફરસાણ, ચાઈનિસ ફુડ, બેકરી, હોટલ, કેમિકલ, સાબુ બનાવવા ઉપરાંત ઘરગથ્‍થુ પણ કરાય છે. હાલમાં ચાલી રહેલું ખાડી યુદ્ધ લાંબો સમય જારી રહેશે તો આયાત પર અસર વર્તાશે જેના પરિણામ સ્‍વરૂપે ૧ કિલોએ રૂ.૪થીપનો ભાવ વધવાની સંભાવના નકારી શકાતી નથી.

ખાદ્યતેલના વેપારી સુનિલ કલ્‍યાણીએ વધુમાં ઉલ્‍લેખ્‍યું હતું કે ગુજરાતમાં પામોલિનનો સૌથી વધુ ઉપયોગ ફરસાણ બનાવવા કરાય છે. જેના અંતર્ગત કારણોમાં સિગતેલ કે કપાસિયા તેલ કરતા પામોલિનના ઉપયોગથી બનાવવામાં આવતું ફરસાણ લાંબો સમય સુધી બગડતું નથી. માર્ચ મહિનામાં ઈન્‍ડોનેશિયા-મલેશિયાએ એક્‍સપોર્ટ ડ્‍યૂટી પણ ૯ ટકા જેટલી વધારી હોઈ ભાવ વધારો થશે. યૂક્રેન અને રશિયાથી આયાત કરાતા સન ફલાવર ખાદ્યતેલનો ઓછો વપરાશ છે. પરંતુ, હેલ્‍થ કોન્‍સિયસ પ્રસિદ્ધ હોટલ્‍સ-રેસ્‍ટોરાં સહિત માલેતુજારો વિશેષ કરીને સન ફલાવર તેલનો ઉપયોગ કરતા હોવાનું તારણ છે. જેના અંતર્ગત કારણોમાં સૂર્યમુખીનું રિફાઈન્‍ડ સારું હોવાપરાંત કલર કે સ્‍મેલનો પ્રશ્ન નડતો નથી. લોકલ માર્કેટમાં સન ફલાવર ઈડીબલ ઓઈ લના ૧ લિટરનો ભાવ રૂ.૧૭૫ની આજુબાજુ રમે છે. જ્‍યારે, અમેરિકા અને બ્રાઝિલથી આયાત કરાતું સોયાબિન ઇડીબલ ઓઈલ હાલમાં રૂ.૧૭૦ના ભાવે ૧ કિલો મળે છે. જેનો સૌથી વધુ ઉપયોગ મધ્‍યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્‍થાનમાં વધુ કરાય છે. અલબત્ત, ગુજરાતમાં કપાસિયા, સિગતેલ સહિત તલના તેલનો ઉપયોગ પણ કરાય છે. ઉલ્‍લેખનીય છે કે ખાડી યુદ્ધ લાંબો સમય સુધી જારી રહેશે તો આયાતી ખાદ્યતેલનો ભાવ રૂ.૪ થી પ વધશે.

(10:09 AM IST)