<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ગાયક ઝુબીન ગર્ગના નિધન પર સિંગાપોર કોર્ટનો આખરી ફેંસલો: મૃત્યુ પાછળ કોઈ કાવતરું નથી, દારૂના નશામાં 'આકસ્મિક ડૂબી જવાથી' થયો હતો કરુણ અંત!

પત્નીના આક્ષેપો અને શંકાઓ વચ્ચે કોરોનર આદમ નાખોડાએ પોલીસ તપાસને ગણાવી યોગ્ય; લાઈફ જેકેટ પહેરવાનો ઈનકાર અને નશાની હાલત કલાકાર માટે કાળ સાબિત થઈ

રાજકોટ: આસામી અને બોલીવુડના જાણીતા ગાયક ઝુબીન ગર્ગના રહસ્યમય નિધન પરથી આખરે પડદો ઊંચકાયો છે. સિંગાપોરની એક અદાલતે બુધવારે ચુકાદો આપ્યો છે કે ૫૨ વર્ષીય ગાયકનું મૃત્યુ કોઈ કાવતરું કે ગુનાહિત પ્રવૃત્તિને કારણે નહીં, પરંતુ એક કમનસીબ અકસ્માત હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગયા સપ્ટેમ્બરમાં સિંગાપોરના લાઝારસ ટાપુ નજીક દરિયામાં ડૂબી જવાથી તેમનું અવસાન થયું હતું. આ સાથે જ ઝુબીનની પત્ની દ્વારા ઉઠાવવામાં આવેલી શંકાઓ અને કથિત કાવતરાની થિયરીઓને કોર્ટે ફગાવી દીધી છે.
શું બની હતી તે રાત્રે ઘટના?
ઘટના ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ની છે, જ્યારે ઝુબીન ગર્ગ ભારત-સિંગાપોર રાજદ્વારી સંબંધોના ૬૦ વર્ષની ઉજવણીમાં પરફોર્મ કરવા માટે ત્યાં ગયા હતા. ઉજવણીના એક દિવસ પહેલા, ૨૦ લોકોના જૂથ સાથે તેઓ એક યાટ (નૌકા) ટ્રીપ પર નીકળ્યા હતા. કોરોનર આદમ નાખોડાએ જણાવ્યું કે, તપાસમાં બહાર આવ્યું છે કે ઝુબીને તે સમયે ભારે માત્રામાં દારૂનું સેવન કર્યું હતું. તેમણે જિન, વ્હિસ્કી અને લિકર પીધું હતું, જેના કારણે તેમની નિર્ણય લેવાની ક્ષમતા ખોરવાઈ ગઈ હતી.
લાઈફ જેકેટ પહેરવાની ના પાડી હતી
તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી કે, યાટના કેપ્ટન અને અન્ય મુસાફરોએ વારંવાર વિનંતી કરી હોવા છતાં ઝુબીને લાઈફ જેકેટ પહેરવાનો ઇનકાર કર્યો હતો. પ્રથમ વખત તરવા ઉતર્યા ત્યારે તેમણે જેકેટ ઉતારી નાખ્યું હતું અને બીજી વખત દરિયામાં ઉતરતી વખતે જેકેટ પહેરવા માટે સાફ ના પાડી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે આ બેદરકારી અને નશાની હાલત જ તેમના મૃત્યુનું મુખ્ય કારણ બની હતી.
કોઈ ગેરરીતિના પુરાવા નથી
સિંગાપોર પોલીસ કોસ્ટ ગાર્ડ (PCG) ની તપાસને સમર્થન આપતા કોર્ટે કહ્યું કે, એવા કોઈ પુરાવા નથી કે કોઈએ તેમને પાણીમાં ધકેલ્યા હોય કે બળજબરી કરી હોય. સોશિયલ મીડિયા પર અને પરિવાર દ્વારા એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બચાવનારા તરવૈયાઓએ જાણીજોઈને તેમનો ચહેરો પાણીમાં પકડી રાખ્યો હતો, પરંતુ કોર્ટે આ વાતને તદ્દન પાયાવિહોણી ગણાવી છે. કોર્ટે આ ઘટનાને માત્ર એક 'દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ડૂબવાની ઘટના' ગણાવી કેસનો નિકાલ કર્યો છે.
ઝુબીન ગર્ગના અકાળે અવસાનને કારણે તે સમયે યોજાનારો ઉત્તર-પૂર્વ ભારત મહોત્સવ રદ કરવામાં આવ્યો હતો. સંગીત જગતે એક તેજસ્વી સિતારો ગુમાવ્યો છે, પરંતુ કોર્ટના આ ચુકાદાથી તેમના મૃત્યુને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.

(5:58 PM IST)