<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ગુરુગ્રામ શર્મસાર: 4 વર્ષની માસૂમ સાથેના બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટનો સખત આક્રોશ: પોલીસને લીધી આડે હાથ!

પોલીસે પુરાવા મટાડવા અને આરોપીને બચાવવા મેડિકલ રિપોર્ટમાં પણ કર્યા ફેરફાર: સીજેઆઈ સૂર્યકાંતે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને ફટકારી કારણદર્શક નોટિસ: હવે SIT કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી

નવી દિલ્હી : ગુરુગ્રામમાં 4 વર્ષની બાળકી પર થયેલા બળાત્કારના કેસમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા પોલીસના "અસંવેદનશીલ અને બેદરકારીભર્યા" વલણ પર લાલ આંખ કરી છે. અદાલતે અવલોકન કર્યું કે તપાસ દરમિયાન ન્યાય આપવાને બદલે પીડિતા અને તેના પરિવારને વધુ હેરાન કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગંભીર ટિપ્પણી કરતા જણાવ્યું કે, આ કેસમાં કમિશનરથી લઈને સબ-ઇન્સ્પેક્ટર સુધીના તમામ સ્તરે એવી રીતે કામ કરવામાં આવ્યું જાણે બાળકી પાસે કોઈ પુરાવા જ નથી તેવું સાબિત કરવાનો પ્રયાસ થતો હોય. આ ગંભીર બેદરકારીને જોતા કોર્ટે પોલીસ કમિશનર વિકાસ કુમાર અરોરા સહિતના અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે.

આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મેડિકલ રિપોર્ટમાં પણ છેડછાડ કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું કે તપાસ એજન્સીએ જાણીજોઈને POCSO એક્ટની કઠોર કલમ 6 (જેમાં 20 વર્ષની જેલની જોગવાઈ છે) ને હળવી કરી કલમ 10 માં ફેરવી નાખી હતી. જે ડૉક્ટરે રિપોર્ટ બદલ્યો અને બાળ કલ્યાણ સમિતિના જે સભ્યોએ આમાં સાથ આપ્યો, તેમને પણ કોર્ટે નોટિસ જારી કરી છે. ન્યાયાધીશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માસૂમ બાળક સાથે દલીલો કરવી અને તેના માતા-પિતાના નિવેદનોને વાહિયાત ગણાવવા એ માનસિક ઉત્પીડનનું સૌથી ઘૃણાસ્પદ સ્વરૂપ છે.

ન્યાયની પ્રક્રિયાને પાટા પર લાવવા માટે સુપ્રીમ કોર્ટે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાનો આદેશ આપ્યો છે, જે નિષ્પક્ષ રીતે ફરીથી તપાસ કરશે. કોર્ટે હરિયાણા સરકાર પાસે પણ જવાબ માંગ્યો છે અને તાકીદ કરી છે કે બાળકો સામેના ગુનાઓમાં પોલીસની આવી ઢીલી નીતિ જરા પણ સહન કરવામાં આવશે નહીં. પીડિત પરિવાર, જે અત્યાર સુધી પોલીસની જોહુકમી સામે લાચાર હતો, તેને હવે દેશની સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાયની આશા બંધાઈ છે. આ કેસ ન્યાય વ્યવસ્થા પર ઉઠેલા સવાલોનો જવાબ આપવા માટે એક માઈલસ્ટોન સાબિત થશે.

(7:35 PM IST)