News of Wednesday, 25th March 2026
યુપીના બલિયામાં સરયુ નદી પર નિર્માણાધીન પુલનું લોખંડનું માળખું ધરાશાયી: સળિયા નીચે ૪ કામદારો દટાયા, ૨ યુવાનોના કરુણ મોત; ચીસાચીસથી ગુંજી ઉઠ્યો કિનારો!
બેલથારા રોડ પાસે થાંભલાના બાંધકામ સમયે અચાનક તૂટી પડ્યો લોખંડનો ભારેભરખમ લોડ; JCBની મદદથી કાટમાળ ખસેડાયો, લખીમપુર ખેરીના બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા

બલિયા (યુપી): ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં સરયુ નદી પર ચાલી રહેલા પુલના બાંધકામ દરમિયાન આજે સવારે એક મોટી હોનારત સર્જાઈ છે. મધુબની ગામ પાસે નવા બની રહેલા પુલના થાંભલા માટે લોખંડના સળિયા (રેબાર) બાંધવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક જ લોખંડનું વિશાળ માળખું ધરાશાયી થયું હતું. આ કરુણ અકસ્માતમાં ૪ કામદારો લોખંડના સળિયા નીચે દટાઈ ગયા હતા, જેમાંથી ૨ કામદારોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યા છે.
બચાવની તક જ ન મળી, ક્ષણભરમાં ખેલાયો ખેલ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે જ્યારે કામદારો ઊંચાઈ પર લોખંડનું માળખું તૈયાર કરી રહ્યા હતા, ત્યારે તે અચાનક જ અસંતુલિત થઈને નીચે પટકાયું હતું. અકસ્માત એટલો ઝડપી હતો કે કામદારોને ભાગવાની કે પોતાની જાતને બચાવવાની તક પણ મળી નહોતી. જોરદાર અવાજ અને કામદારોની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. છેવટે જેસીબી (JCB) મશીન બોલાવીને લોખંડના ભારેભરખમ સળિયા દૂર કરી દટાયેલા કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.
લખીમપુર ખેરીના બે પરિવારોમાં છવાયો માતમ
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર કામદારોમાં ૩૦ વર્ષીય પપ્પુ અને ૨૯ વર્ષીય અમિતનો સમાવેશ થાય છે. આ બંને યુવાનો લખીમપુર ખેરી જિલ્લાના ખૈરાપુરવા ગામના રહેવાસી હતા અને અહીં મજૂરી કામ માટે આવ્યા હતા. અન્ય એક ગંભીર રીતે ઘાયલ કામદાર જુગલ (૨૧ વર્ષ, રહે. પીલીભીત) ને પ્રાથમિક સારવાર બાદ બલિયા જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
તંત્ર દ્વારા તપાસના આદેશ
બલિયાના તુર્તીપર પુલ પાસે જ આ નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. નિર્માણ કાર્યમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસ અને વહીવટી તંત્ર તપાસ કરી રહ્યું છે. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
