<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો છતાં ભારત 'સેફ ઝોન'માં: હોર્મુઝની ખાડીમાંથી ભારતીય જહાજોની સુરક્ષિત વાપસી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ સર્વપક્ષીય બેઠકમાં સરકારે વિપક્ષને આપી મોટી ખાતરી: દેશમાં તેલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : વ્યૂહાત્મક એડવાન્સ બુકિંગને કારણે સામાન્ય જનતા પર સંકટની કોઈ અસર નહીં થાય

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી હિંસા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે પશ્ચિમ એશિયાના અત્યંત સંવેદનશીલ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ'માંથી ચાર ભારતીય જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. જ્યાં અન્ય દેશોના જહાજો ફસાયેલા છે, ત્યાં ભારતની રાજદ્વારી અને સુરક્ષા વ્યૂહરચના સફળ રહી છે. વિદેશ સચિવે પ્રેઝન્ટેશન દ્વારા સ્પષ્ટ કર્યું કે ભારતે પેટ્રોલિયમ ઉત્પાદનો અને LPGનું અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરી લીધું છે, જેના કારણે યુદ્ધની સ્થિતિમાં પણ પુરવઠો ખોરવાશે નહીં. આગામી બે દિવસમાં 92,000 ટન LPG ભરેલા બે જહાજો ભારતના કિનારે પહોંચશે, જે રસોઈ ગેસની અછતની આશંકાઓને ફગાવી દે છે.

આ બેઠકમાં માત્ર ઉર્જા જ નહીં પણ માનવીય પાસાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સીધી વાતચીત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારત યુદ્ધના પક્ષમાં નથી. ભારતે અત્યાર સુધીમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી અંદાજે 4,25,000 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જે એક મોટું રેકોર્ડ બ્રેક ઓપરેશન છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયાના સંકટ પર નજર રાખવા માટે સાત સ્પેશિયલ 'એમ્પાવર્ડ ગ્રુપ્સ' બનાવવામાં આવ્યા છે, જે તેલના ભાવ અને આવશ્યક સેવાઓનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સરકારની આ તૈયારીઓ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ગમે તેટલી અસ્થિરતા હોય, ભારત પોતાના આર્થિક હિતોને સુરક્ષિત રાખવા માટે સજ્જ છે.

 

અઢી કલાક ચાલેલી આ બેઠકમાં વિપક્ષી નેતાઓએ સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ ઈરાનના સર્વોચ્ચ નેતાના અવસાન પર શોક સંદેશ મોકલવામાં થયેલા વિલંબ અંગે પૂછતા વિદેશ સચિવે સ્પષ્ટ કર્યું કે દૂતાવાસ ખુલ્યા બાદ તુરંત જ પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષના મૂળમાં ઇરાનના પરમાણુ કાર્યક્રમો હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. રસપ્રદ વાત એ છે કે, સરકારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી મધ્યસ્થીના પ્રશ્ન પર પણ જવાબ આપ્યો કે અમેરિકા વર્ષોથી ઈરાન સાથે વાતચીત માટે પાકિસ્તાનનો ઉપયોગ કરતું આવ્યું છે. અંતમાં, સરકારે વિપક્ષને ખાતરી આપી કે દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરવાની જરૂર નથી અને કોઈપણ પક્ષ ગમે ત્યારે વધારાની માહિતી માટે સરકારનો સંપર્ક કરી શકે છે.

(10:20 PM IST)