<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ભારે કરી! ૨૦ સિટી વગાડી છતાં મટન તૈયાર ન થયું: કૂકર લઈ પોલીસ સ્‍ટેશને ફરિયાદ નોંધાવી

અનંતપુર,તા.૨૬: આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્‍લાના તડિપાત્રી શહેરમાં ઉગાદી તહેવારના અવસર પર એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. તેને સાંભળી સૌ કોઈ હસવા મજબૂર થઈ જશે. એક શખ્‍સે પોલીસમાં જે ફરિયાદ નોંધાવી છે, તેને જાણી લોકો હસવા મજબૂર બન્‍યા છે.

સોડાલા હાઝી નામના એક સ્‍થાનિક રહેવાસીએ એક દુકાનદાર પાસેથી મટન ખરીદ્યું હતું. ઘરે આવી તેણે કૂકરમાં મટન રાંધવા મુક્‍યું. પણ ૨૦ સિટી વાગ્‍યા બાદ પણ મટન તૈયાર ન થયું. ત્‍યાર બાદ આ શખ્‍સે મટનવાળાની ફરિયાદ પોલીસમાં કરી દીધી.

જાણકારી અનુસાર, આ શખ્‍સે પ્રેશર કુકરમાં મટન પકાવવાની કોશિશ કરી હતી. પણ એક-બે-ત્રણ...તેણે ૨૦ સિટી વગાડી દીધી, પણ મટન તૈયાર થવાનું નામ નહોતું લેતું. જ્‍યારે ચેક કરતો ત્‍યારે મટન કાચું રહેતું. તેનાથી હાજી સાહેબ ગુસ્‍સે થઈ ગયા. તેમને લાગ્‍યું કે દુકાનદારે ખરાબ અથવા જૂનું મટન આપી દીધું. કંઈ પણ જોયા જાણ્‍યા વિના તેઓ કૂકર લઈને તડિપાત્રી ટાઉન પોલીસ સ્‍ટેશન પહોંચી ગયા. ત્‍યાં તેમણે મટન વેચનારા દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે જ્‍યારે ફરિયાદ સાંભળી તો તેમને પણ નવાઈ લાગી. પોલીસ સ્‍ટેશનમાં આવી રીતે કૂકર લઈને આવેલા શખ્‍સને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ અને હસવા લાગ્‍યા. જો કે પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો હતો.

ટાઉન સર્કલ ઈન્‍સ્‍પેક્‍ટરે ખુદ આ મામલાને સંભાળ્‍યો. તેમણે ફરિયાદકર્તાની આખી વાત સાંભળી અને દુકાનદારને બોલાવી વાત કરી. દુકાનદારે માન્‍યું કે મટન થોડું જૂનું હોઈ શકે છે, જેના કારણે આટલી વાર થવા છતાં તૈયાર ન થયું. આખરે બંને વચ્‍ચે સમાધાન થયું. દુકાનદારે હાજી સાહેબને મફતમાં એક કિલો તાજું મટન આપવાની ઓફર આપી. જેનો સ્‍વીકાર કરી લેવામાં આવ્‍યો. આમ આવી રીતે પોલીસ સ્‍ટેશનમાં ઊભા ઊભા મામલો થાળે પડી ગયો.

(4:03 PM IST)