<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

હું આખી દુનિયાને ચૅલૅન્‍જ કરું છું, અર્જુન તેંડુલકર બધા બૅટસમૅનોને પાછળ છોડી દેશે

યોગરાજસિંહનો આકરો દાવો, કહ્યું જો છ મહિના મારી પાસે ટ્રેનિંગ લે તો દુનિયાનો સર્વશ્રેષ્‍ઠ પ્‍લૅયર બનાવી દઇશ

નવી દિલ્‍હી : ક્રિકેટના દિગ્‍ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આગામી આઈપીએલ-૨૦૨૬માં લખનૌ સુપર જાયન્‍ટ્‍સ તરફથી રમતો જોવા મળશે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે અર્જુનને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે કે, તેઓ માત્ર ૬ મહિનામાં અર્જુનને વિશ્વનો સૌથી મહાન બેટ્‍સમેન બનાવી શકે છે.

યોગરાજ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ‘હું આખી દુનિયાને ચેલેન્‍જ કરું છું કે અર્જુન તેંડુલકર મારી સાથે ૬ મહિના વિતાવીને દુનિયાના તમામ બેટ્‍સમેનોને પાછળ છોડી દેશે. જો કોઈ આવું ન કરી શકે તો તેને મારી પાસે મોકલી દો. જો હું આવું ન કરી શકું તો હું મારી દાઢી કાપી નાખીશ.'

અર્જુનને મહાન ખેલાડી બનાવવાના માસ્‍ટર પ્‍લાન વિશે વાત કરતા યોગરાજ સિંહે જણાવ્‍યું હતું કે ‘તેણે દરરોજ ૧૫૦૦૦ બોલની પ્રેક્‍ટિસ કરવી પડશે. હું તેને સર ગારફિલ્‍ડ સોબર્સની કેટેગરીમાં જોઉં છું. તેણે રણજી ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચમાં સાતમા નંબરે બેટિંગ કરીને સદી ફટકારી હતી. તેણે તેના કોચને કહ્યું હતું કે, તેને ત્રીજા નંબર પર રમાડે અને લિસ્‍ટ એ તથા ટી૨૦માં ઓપનિંગ કરવા દે પરંતુ તેમણે તેની વાત માની નહીં. મને અર્જુન તેંડુલકર જોઈએ છે, હું તેને મહાનતમ ખેલાડી બનાવી દઈશ.'

(11:42 AM IST)