<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

કતાર-ઈરાન વચ્‍ચે ૫૦ હજાર કરોડની ‘સીક્રેટ ડીલ'! શું તેલના ખેલમાં શાંતિ ખરીદાઈ?

ગલ્‍ફ દેશોમાં મોટા પલટવારની આશંકા વચ્‍ચે ૨૦ માર્ચથી હુમલા બંધ અને અમેરિકા સાથે મધ્‍યસ્‍થીનો ઇનકાર

દોહા, તા.૨૬: મધ્‍ય-પૂર્વના રાજકારણમાં અત્‍યારે એક અત્‍યંત ચોંકાવનારો વળાંક આવ્‍યો છે, જ્‍યાં કતાર અને ઈરાન વચ્‍ચે એક રહસ્‍યમય મૌન કરાર થયાના અહેવાલો વહેતા થયા છે. ઈઝરાયલી ઇન્‍ટેલિજન્‍સ વેબસાઇટ્‍સના દાવા મુજબ, કતારે તેની તેલ અને ગેસની વિરાટ સંપત્તિને ઈરાની હુમલાઓથી સુરક્ષિત રાખવા માટે તેહરાનને ઼૬ બિલિયન (અંદાજે રૂ.૫૦,૦૦૦ કરોડથી વધુ) આપવાની પતાવટ કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ એ જ રકમ છે જે અગાઉ અમેરિકા દ્વારા ફ્રીઝ કરવામાં આવી હતી. આ કરારની સૌથી મોટી અસર એ જોવા મળી છે કે ૨૦ માર્ચ પછી ઈરાને કતારની સરહદો કે ગેસ સુવિધાઓ પર એક પણ મિસાઈલ છોડી નથી, જે ખાડી દેશોમાં એક નવી અને ભયાનક શાંતિનો સંકેત આપી રહી છે.

આ સોદાની બીજી અને સૌથી ગંભીર અસર રાજદ્વારી સંબંધો પર પડી છે. અત્‍યાર સુધી અમેરિકા અને ઈસ્‍લામિક દેશો વચ્‍ચે બ્રિજ ગણાતા કતારે હવે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તે અમેરિકા અને ઈરાન વચ્‍ચે કોઈ પણ પ્રકારની મધ્‍યસ્‍થી કરશે નહીં. કતારના આ નિવેદને વોશિંગ્‍ટનમાં હલચલ મચાવી દીધી છે, કારણ કે કતારે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું છે કે આ યુદ્ધ ઈઝરાયલ માટે લડાઈ રહ્યું છે અને તે આમાં અમેરિકાનો સાથ આપીને ઈરાનને દુશ્‍મન બનાવશે નહીં. અફઘાનિસ્‍તાન અને તાલિબાન સાથે અમેરિકાની શાંતિ વાટાઘાટો કરાવનાર દેશ જ્‍યારે હાથ ઊંચા કરી લે, ત્‍યારે તે વૈશ્વિક લેવલે અમેરિકાની પકડ નબળી પડી રહી હોવાનો પુરાવો આપે છે.

આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો, આ કરાર કતાર માટે મજબૂરી અને વ્‍યૂહરચના બંને છે. ઈરાની હુમલાઓને કારણે કતારના એલએનજી ઉત્‍પાદનમાં ૧૭ ટકાનો તોતિંગ ઘટાડો થવાની ભીતિ હતી, જે ભારત અને ચીન જેવા દેશો માટે ઉર્જા સંકટ ઊભું કરી શકયું હોત. પોતાના અર્થતંત્રને બચાવવા કતારે હવે ઈરાનના ઈસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ્‍સને આર્થિક મદદ કરીને સીધો પ્રોટેક્‍શન મની જેવો ખેલ ખેલ્‍યો હોવાનું દેખાય છે. જોકે, આ ઼૬ બિલિયનનો ઉપયોગ ઈરાન તેના સૈન્‍યને મજબૂત કરવા કરશે, જે ભવિષ્‍યમાં આ પ્રદેશમાં અમેરિકન હિતો માટે વધુ મોટો ખતરો સાબિત થઈ શકે છે.

(4:04 PM IST)