News of Thursday, 26th March 2026
એર ઇન્ડિયાના આધુનિક A350 વિમાનમાં મધદરિયે સર્જાઈ ટેકનિકલ ખામી: લંડન જતી ફ્લાઇટ 7 કલાક હવામાં રહ્યા બાદ દિલ્હી પરત ફરી
એક જ વિમાનમાં 10 દિવસમાં બીજી વાર ટેકનિકલ લોચો: સાઉદી અરેબિયાના આકાશમાંથી વિમાનને યુ-ટર્ન લેવાની ફરજ પડી

નવી દિલ્હી, તા.26: એર ઇન્ડિયાના અત્યાધુનિક ગણાતા એરબસ A350 વિમાનમાં ફરી એકવાર ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. દિલ્હીથી લંડન જઈ રહેલી ફ્લાઇટ AI111 ને ટેકનિકલ ખામીની આશંકાને પગલે અધવચ્ચેથી પરત બોલાવવી પડી હતી. આશ્ચર્યની વાત એ છે કે, વિમાને દિલ્હીથી ઉડાન ભર્યા બાદ લગભગ સાત કલાક જેટલો સમય હવામાં વિતાવ્યો હતો અને ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે તેને ફરી દિલ્હી ખાતે સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું.
સાઉદીના આકાશમાં સંભળાયા વિચિત્ર અવાજો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જ્યારે વિમાન સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં પહોંચ્યું ત્યારે વિમાનની અંદર અસામાન્ય અવાજો સંભળાયા હતા. સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક સાધ્યો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, સવારે 6 વાગ્યે ઉડાન ભરેલું આ વિમાન બપોરે 12:30 વાગ્યે દિલ્હી પરત ફર્યું હતું. આ સાત કલાક દરમિયાન મુસાફરો ભારે ચિંતામાં રહ્યા હતા.
એક જ વિમાન સાથે બીજી વખતની ઘટના
ચિંતાજનક બાબત એ છે કે, આ એ જ વિમાન (VT-JRF) છે જેની સાથે ગત 15 માર્ચે પણ આવી જ ઘટના બની હતી. તે સમયે આ વિમાન ન્યૂયોર્કથી દિલ્હી આવી રહ્યું હતું, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને આયર્લેન્ડના શેનોન શહેર તરફ વાળવાની ફરજ પડી હતી. માત્ર 10 દિવસના ગાળામાં એક જ વિમાનમાં બે મોટી ટેકનિકલ સમસ્યાઓ સામે આવતા એરલાઇનની જાળવણી પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યા છે.
એર ઇન્ડિયાની પ્રતિક્રિયા
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ટેકનિકલ ખામીની શંકા જતાં પ્રોટોકોલ મુજબ વિમાનને પરત લાવવામાં આવ્યું છે. હાલમાં એન્જિનિયરો દ્વારા વિમાનનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે." એરલાઇને મુસાફરોને પડેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને લંડન જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાએ જાન્યુઆરી 2024માં જ આ નવા A350-900 વિમાનોનો કાફલો સામેલ કર્યો હતો, જે લાંબા અંતરની મુસાફરી માટે ખૂબ જ આરામદાયક માનવામાં આવે છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
