News of Thursday, 26th March 2026
ટ્રમ્પ સરકાર અને ન્યૂ જર્સી વચ્ચે સીધી જંગ: ગવર્નર મિકી શેરિલે ઇમિગ્રેશન એજન્સીઓ પર લગામ કસતો નવો કાયદો કર્યો પસાર
રાજ્યની પોલીસ હવે ફેડરલ એજન્ટોને ડેટા આપવામાં રાખશે અંતર; ધરપકડ પહેલા ઓળખ આપવી ફરજિયાત, વ્હાઇટ હાઉસે આ પગલાને ગણાવ્યું 'ગેરબંધારણીય'

નેવાર્ક (ન્યૂ જર્સી), તા.26: અમેરિકામાં ઇમિગ્રેશન અને દેશનિકાલના મુદ્દે ફેડરલ સરકાર અને રાજ્યો વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરિલે ટ્રમ્પ વહીવટીતંત્રના કડક ઇમિગ્રેશન એજન્ડાને રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા કાયદા મુજબ, ન્યૂ જર્સી રાજ્યનું વહીવટીતંત્ર હવે ઇમિગ્રેશન અમલીકરણની પ્રક્રિયામાં ફેડરલ એજન્સીઓને સીધી મદદ કરવા પર મર્યાદિત રહેશે.
શું છે આ નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ?
ગવર્નર શેરિલ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આ કાયદાઓનો હેતુ ઇમિગ્રન્ટ્સના અધિકારોનું રક્ષણ કરવાનો છે:
- ઓળખ જાહેર કરવી: હવેથી કોઈપણ ધરપકડ કે અટકાયત કરતા પહેલા કાયદા અમલીકરણ અધિકારીઓએ પોતાની ઓળખ આપવી પડશે.
- ચહેરાની ઓળખ (Facial Recognition): જાહેર વાતચીત કે તપાસ દરમિયાન ચહેરાની ઓળખનો ઉપયોગ કરવા પર મર્યાદાઓ લાદવામાં આવી છે.
- ડેટા શેરિંગ પર પ્રતિબંધ: સ્થાનિક હોસ્પિટલો, શાળાઓ અને સરકારી કચેરીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી ઇમિગ્રેશન સ્થિતિ (Status) ની માહિતી હવે ફેડરલ એજન્સીઓને સહેલાઈથી નહીં મળે.
"અમે બંધારણનું પાલન કરીએ છીએ" - ગવર્નર શેરિલ
પોતાના નિર્ણયનો બચાવ કરતા ગવર્નર શેરિલે જણાવ્યું હતું કે, "આ બિલો એ વાત સાબિત કરે છે કે ન્યૂ જર્સીમાં અમે હજુ પણ અમેરિકાના બંધારણ અને કાયદાના શાસનનું સન્માન કરીએ છીએ." નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ ન્યૂ જર્સીએ રાજ્યમાં પ્રસ્તાવિત નવા ઇમિગ્રેશન અટકાયત કેન્દ્ર (Detention Center) ને રોકવા માટે કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો.
વ્હાઇટ હાઉસ અને હોમલેન્ડ સિક્યુરિટીનો ઉગ્ર વિરોધ
ન્યૂ જર્સીના આ પગલાથી ફેડરલ સરકાર લાલઘૂમ થઈ છે. ગૃહ સુરક્ષા વિભાગ (DHS) ના કાર્યકારી સહાયક સચિવ લોરેન બિસે આ કાયદાને "ધિક્કારપાત્ર" ગણાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કાયદો ફેડરલ અધિકારીઓના જીવ જોખમમાં મૂકવાનો પ્રયાસ છે અને તે ગેરબંધારણીય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે આ પ્રકારના 'સેન્ચ્યુરી સ્ટેટ' (શરણાર્થી રાજ્ય) ના કાયદાઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
આ કાયદાકીય જંગ હવે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેની અસર લાખો બિનદસ્તાવેજી ઇમિગ્રન્ટ્સ પર પડશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
