<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

વ્યાપમનો 'જિન્ન' ફરી બહાર આવ્યો: સુપ્રીમ કોર્ટની કડક કાર્યવાહીથી ખળભળાટ

૧૧ વર્ષ જૂના કૌભાંડમાં CBI અને મધ્યપ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ : તપાસમાં વિલંબ મુદ્દે પ્રગતિ અહેવાલ રજૂ કરવા આદેશ : ૧૬ એપ્રિલે નિર્ધારિત આગામી સુનાવણી પર સૌની મીટ

નવી દિલ્હી:  મધ્યપ્રદેશના ઈતિહાસના સૌથી ચર્ચિત અને ભયાનક ગણાતા વ્યાપમ કૌભાંડનું ભૂત ફરી એકવાર ધૂણવા લાગ્યું છે. ૧૧ વર્ષના લાંબા સમયગાળા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. ૨૦૧૪માં પૂર્વ ધારાસભ્ય પારસ સકલેચા દ્વારા રજૂ કરવામાં આવેલી ૩૨૦ પાનાની વિસ્તૃત ફરિયાદ અને પુરાવાઓ પર અત્યાર સુધી શું કાર્યવાહી થઈ, તેનો હિસાબ સુપ્રીમ કોર્ટે માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે આટલા વર્ષો સુધી આ મહત્વના પુરાવાઓ પર તપાસ કેમ અટકી પડી હતી, જેના કારણે હવે ફરીથી તપાસના ચક્રો ગતિમાન થવાની પુરેપુરી શક્યતા દેખાઈ રહી છે.

આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ જૂના ચુકાદાને પડકારતી અરજી સ્વીકારી, જેમાં અરજદારને "સીધી રીતે પ્રભાવિત પક્ષ નથી" કહીને કેસ ફગાવી દેવાયો હતો. વરિષ્ઠ વકીલ વિવેક તંખાની દલીલોને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોઈ પણ જાગૃત નાગરિક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માત્ર બે અઠવાડિયામાં સોગંદનામા દ્વારા ચાર્જશીટ અને તપાસની વિગતો રજૂ કરવાનો આદેશ મળતા જ તપાસ એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાક્રમથી તે નેતાઓ અને અમલદારોની ઊંઘ ઉડી ગઈ છે જેઓ અત્યાર સુધી આ કેસ દબાઈ ગયો હોવાનું માનીને નિશ્ચિંત બેઠા હતા.

ઉલ્લેખનીય છે કે વ્યાપમ કૌભાંડ માત્ર પરીક્ષામાં ગેરરીતિ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે ૪૦થી વધુ શંકાસ્પદ મૃત્યુના રહસ્ય સાથે જોડાયેલું અત્યંત ગંભીર પ્રકરણ છે. નકલી ઉમેદવારો બેસાડવા, OMR શીટમાં છેડછાડ કરવી અને સરકારી હોદ્દાઓનું વેચાણ કરવા જેવા સનસનીખેજ આરોપોએ એક સમયે દેશભરની શિક્ષણ અને વહીવટી વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા હતા. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે સીધું હસ્તક્ષેપ કર્યું છે, ત્યારે આગામી ૧૬ એપ્રિલની સુનાવણીમાં CBI કેવા પુરાવા રજૂ કરે છે તેના પર અનેક મોટા માથાઓનું ભવિષ્ય ટકેલું છે. આ મામલે ફરીથી થનારી તપાસ રાજ્યના રાજકારણમાં નવો ભૂકંપ લાવી શકે છે.

(6:22 PM IST)