હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધર્મના ઓઠે પાપનું સામ્રાજ્ય: ઢોંગી અશોક ખરાટના 'કાળા કરતૂતો'નો પર્દાફાશ
બળાત્કારના આરોપમાં ફસાયેલા કથિત ગોડમેન પાસે ૧૫૦૦ કરોડની અકલ્પનીય સંપત્તિ અને ૧૦૦ વાંધાજનક વીડિયો મળતા સનસનાટી: ૨૦૧૮માં ભાજપ સરકાર દ્વારા મંદિરને અપાયેલી ૧.૦૫ કરોડની ગ્રાન્ટ હવે વિવાદના ઘેરામાં

નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ધર્મના નામે માયાવી જાળ બિછાવનાર સ્વયંભૂ ગોડમેન અશોક ખરાટનો અસલી ચહેરો સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. જે વ્યક્તિને લોકો આસ્થાનું પ્રતીક માનતા હતા, તેની ધરપકડ બાદ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની તપાસમાં એવા ખુલાસા થયા છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. તપાસ દરમિયાન ખરાટના કબજામાંથી અંદાજે ૧૦૦ જેટલા પોર્નોગ્રાફિક અને વાંધાજનક વીડિયો મળી આવ્યા છે, જેનો ઉપયોગ તે મહિલાઓને બ્લેકમેલ કરવા માટે કરતો હોવાની આશંકા છે. એટલું જ નહીં, એક સામાન્ય મંદિરના ટ્રસ્ટી ગણાતા આ શખ્સ પાસે ૧૫૦૦ કરોડ રૂપિયાની બેનામી મિલકત હોવાનું બહાર આવતા હવે ઇન્કમ ટેક્સ વિભાગ પણ મેદાનમાં ઉતર્યું છે.
આ કેસમાં સૌથી મોટો રાજકીય વળાંક ૨૦૧૮ના સરકારી ફંડિંગને લઈને આવ્યો છે. સત્તાવાર દસ્તાવેજો મુજબ, તત્કાલીન ભાજપ સરકારના શાસનકાળ દરમિયાન ખરાટના 'શ્રી ઈશાન્યેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ'ને પ્રવાસન વિકાસ યોજના હેઠળ ૧.૦૫ કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટનો ઉપયોગ મંદિરના સુશોભન અને સુવિધાઓ માટે કરવામાં આવ્યો હતો, પરંતુ હવે વિપક્ષો આ મામલે સવાલો ઉઠાવી રહ્યા છે કે કોઈ પણ ગંભીર તપાસ વગર આવા વ્યક્તિને સરકારી નાણાં કેમ આપવામાં આવ્યા? આ વિવાદમાં રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષે પણ રાજીનામું આપવું પડ્યું છે, જે ખરાટના ઉચ્ચ રાજકીય સંપર્કો અને વગદાર હોવાની સાબિતી આપે છે.
IPS અધિકારી તેજસ્વી સાતપુતેના નેતૃત્વમાં બનેલી SIT એ અત્યાર સુધીમાં ખરાટ વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડી સહિતના ૬ ફોજદારી કેસો નોંધ્યા છે. ભોગ બનનાર મહિલાઓમાં એક સગર્ભા સ્ત્રીનો પણ સમાવેશ થાય છે, જે આ ઢોંગી સાધુની ક્રૂરતાની પરાકાષ્ઠા દર્શાવે છે. સાયબર પોલીસ હાલમાં મળી આવેલા વીડિયોના સ્ત્રોત અને તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તપાસી રહી છે, જેથી આ સેક્સ સ્કેન્ડલમાં સામેલ અન્ય સફેદપોશ ચહેરાઓને પણ બેનકાબ કરી શકાય. જેમ જેમ તપાસ ઊંડી ઉતરી રહી છે, તેમ તેમ આ કેસ માત્ર ગુનાહિત પ્રવૃત્તિ પૂરતો મર્યાદિત ન રહેતા, મોટા પાયે આર્થિક ગેરરીતિ અને રાજકીય સાંઠગાંઠનું પ્રતીક બની રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
