હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક યુદ્ધના એંધાણ વચ્ચે દેશમાં ૬૦ દિવસ સુધી ઈંધણનો અખૂટ ભંડાર
પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા છતાં ભારતનો તેલ અને LPG પુરવઠો છલોછલ : ૪૧ દેશો સાથેની ભાગીદારી અને મજબૂત વ્યૂહાત્મક અનામતને કારણે દેશમાં ઊર્જા સંકટની કોઈ શક્યતા નથી

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ અને સમુદ્રી માર્ગો પર વધતા જોખમો વચ્ચે ભારત સરકારે દેશના નાગરિકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ભારત પાસે હાલમાં ૬૦ દિવસ સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઇલ અને ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે. આ વ્યૂહાત્મક અનામત અને રિફાઇનરી સ્ટોક એટલો મજબૂત છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે પુરવઠો ખોરવાય તો પણ દેશની અર્થવ્યવસ્થા કે સામાન્ય જનજીવન પર તેની કોઈ નકારાત્મક અસર નહીં પડે. સરકારની આ 'માનસિક શાંતિ' પાછળનું મુખ્ય કારણ ભારતની બદલાયેલી આયાત નીતિ છે, જેમાં હવે આપણે માત્ર ગલ્ફ દેશો પર નિર્ભર ન રહેતા અમેરિકા, કેનેડા અને બ્રાઝિલ જેવા ૪૧થી વધુ દેશો પાસેથી તેલ ખરીદી રહ્યા છીએ, જેનાથી હોર્મુઝની સામુદ્રધુની પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
LPG એટલે કે રસોઈ ગેસના મોરચે પણ ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. દેશની સ્થાનિક રિફાઇનરીઓએ ઉત્પાદનમાં ૪૦ ટકાનો જંગી વધારો કર્યો છે, જેના કારણે દરરોજ ૫૦,૦૦૦ મેટ્રિક ટન ગેસનું ઉત્પાદન સ્થાનિક સ્તરે જ થઈ રહ્યું છે. આ આંકડો દેશની કુલ માંગના ૬૦ ટકાથી વધુ હિસ્સો આવરી લે છે. ૨૦૧૪માં જ્યાં દેશ પાસે માત્ર ૧૧ ગેસ ટર્મિનલ હતા, ત્યાં આજે ૨૨ અત્યાધુનિક ટર્મિનલ્સ કાર્યરત છે, જેણે સપ્લાય ચેઇનને હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી અભેદ્ય બનાવી દીધી છે. સરકારની આ આયોજનબદ્ધ તૈયારીઓને કારણે જ રશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આવતો આયાતી ગેસ પણ હવે સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય છે, પરિણામે સામાન્ય ગ્રાહકોએ સિલિન્ડરની અછત અંગે જરાય ચિંતિત થવાની જરૂર નથી.
બજારમાં ઈંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સંચાલિત તેલ કંપનીઓ હાલમાં દરરોજ ૫૦ લાખથી વધુ LPG સિલિન્ડરનું વિતરણ કરી રહી છે. જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો ત્યારે એક તબક્કે ગભરાટમાં આવેલી જનતા દ્વારા માંગ વધીને ૮૯ લાખ સિલિન્ડર સુધી પહોંચી ગઈ હતી, પરંતુ સરકારે ત્વરિત હસ્તક્ષેપ કરીને પુરવઠો જાળવી રાખતા હવે સ્થિતિ સામાન્ય થઈ છે. આ ઉપરાંત, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાયમાં પણ ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેથી હોટલ અને ઉદ્યોગોમાં કાળાબજારની કોઈ શક્યતા ન રહે. ભારતની આ 'એનર્જી સિક્યુરિટી' વ્યૂહરચના સાબિત કરે છે કે વૈશ્વિક સંકટ સમયે પણ દેશ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સક્ષમ છે અને આગામી બે મહિના સુધી પુરવઠામાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં આવશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
