News of Thursday, 26th March 2026
વૈશ્વિક યુદ્ધના એંધાણ: પીએમ મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની ઈમરજન્સી બેઠક
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સપ્લાય ચેઈન ખોરવાવાના ભય વચ્ચે 'ટીમ ઈન્ડિયા' એક્શન મોડમાં : તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરવા ઘડાશે માસ્ટર પ્લાન

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ વીડિયો કોન્ફરન્સ યોજશે. આ બેઠકનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સંઘર્ષની ભારત પર પડનારી સંભવિત અસરોની સમીક્ષા કરવાનો છે. પીએમ મોદી 'ટીમ ઈન્ડિયા'ની ભાવના સાથે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધીને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે આગોતરું આયોજન કરશે.
આ બેઠકમાં ખાસ કરીને ઈંધણના ભાવ, પુરવઠા શૃંખલા અને વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. પશ્ચિમ એશિયામાં અસ્થિરતાને કારણે જો ક્રૂડ ઓઈલ કે અન્ય આવશ્યક ચીજોની આયાત પર અસર પડે, તો રાજ્યોએ સ્થાનિક સ્તરે મોંઘવારી અને અછતને રોકવા માટે કેવા પગલાં લેવા જોઈએ તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર આ સંઘર્ષને માત્ર ભૌગોલિક સુરક્ષા નહીં પણ આર્થિક સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ રહી છે. પીએમ મોદી દરેક રાજ્યની તૈયારીઓ જાણીને આપત્તિ વ્યવસ્થાપન અને સંસાધનોના યોગ્ય વિતરણ માટે નિર્દેશો આપી શકે છે. આ બેઠક સાબિત કરે છે કે ભારત વૈશ્વિક સ્તરે ઉભા થતા જોખમો સામે પોતાના આંતરિક તંત્રને સજ્જ રાખવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
