News of Thursday, 26th March 2026
અમેરિકાના પ્રદૂષણનું બિલ ભારત ભરશે? ₹૪૭૦ લાખ કરોડના નુકસાનનો પર્દાફાશ
૧૯૯૦થી યુએસના કાર્બન ઉત્સર્જને વૈશ્વિક અર્થતંત્રને ૧૦ ટ્રિલિયન ડોલરનો ફટકો માર્યો : ભારત અને બ્રાઝિલ સૌથી મોટા ભોગ બનનાર દેશો તરીકે ઉભર્યા : જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની "ડ્રિલ, બેબી, ડ્રિલ" નીતિથી ક્લાયમેટ જસ્ટિસ પર ખતરો

નવી દિલ્હી : નેચર જર્નલના ચોંકાવનારા અભ્યાસ મુજબ, ૧૯૯૦થી અમેરિકાના કાર્બન ઉત્સર્જને વિશ્વને ૧૦ ટ્રિલિયન ડોલરનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ વૈશ્વિક વિનાશમાં ભારત સૌથી વધુ પ્રભાવિત થયું છે, જેને અંદાજે ૫૦૦ અબજ ડોલર (આશરે ₹૪,૭૦,૫૫,૪૭૫ કરોડ) નું નુકસાન વેઠવું પડ્યું છે. સ્ટેનફોર્ડના વૈજ્ઞાનિક માર્શલ બર્ક આ સ્થિતિને 'ધીમું ઝેર' ગણાવે છે, જેણે ભારત જેવા વિકાસશીલ દેશોની ખેતી, શ્રમ ઉત્પાદકતા અને જાહેર આરોગ્ય પ્રણાલીને ગંભીર રીતે તોડી નાખી છે.
અભ્યાસ દર્શાવે છે કે અમેરિકા અને ચીન (૯ ટ્રિલિયન ડોલરનું નુકસાન) વિશ્વના સૌથી મોટા પ્રદૂષકો છે. વધતા તાપમાનને કારણે શ્રમિકોની ક્ષમતા ઘટી રહી છે અને કુદરતી આફતો પાકનો નાશ કરી રહી છે. વિડંબના એ છે કે જે દેશોનો પ્રદૂષણમાં નહિવત ફાળો છે, તેમણે જ સૌથી વધુ આર્થિક કિંમત ચૂકવવી પડી રહી છે. આ નુકસાન માત્ર ડોલરમાં જ નથી, પરંતુ ગરીબ દેશોમાં લોકોની જીવનશૈલી અને સુખાકારી પર તેની અસહ્ય અસર પડી રહી છે.
વર્તમાન રાજકીય સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ આ સંકટને વધુ ઘેરું બનાવી રહી છે. "ડ્રિલ, બેબી, ડ્રિલ" સૂત્ર હેઠળ તેલ ઉત્પાદનને પ્રોત્સાહન અને આબોહવા કરારોથી અંતર રાખવાના તેમના નિર્ણયો ભારત જેવા દેશોને મળતા 'લોસ એન્ડ ડેમેજ' ફંડમાં અવરોધ ઊભો કરી શકે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો વિકસિત દેશો વળતર અને જવાબદારી સ્વીકારવામાં વિલંબ કરશે, તો ભવિષ્યમાં આ આર્થિક અને પર્યાવરણીય ખાડો પૂરવો અશક્ય બની જશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
