<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાજનીતિના 'શોટગન'નો યુ-ટર્ન: મમતાના સાંસદ શત્રુઘ્ન સિંહા કેમ ગાઈ રહ્યા છે પીએમ મોદીના ગુણગાન?

.......બંગાળના રણમેદાનમાં ટીએમસી અને ભાજપ વચ્ચે આરપારની લડાઈ વચ્ચે શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાનની 'અજોડ ઊર્જા'ના કર્યા વખાણ: રાહુલ ગાંધીને મર્યાદા જાળવવાની સલાહ આપી રાજકીય ગરમાવો વધાર્યો : જૂની મિત્રતાના સ્મરણોએ નવા સમીકરણોના સંકેત આપ્યા

કોલકાતા : પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગમાં જ્યાં એક તરફ મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી વચ્ચે 'ખેલા હોબે'ની ગુંજ સંભળાઈ રહી છે, ત્યાં બીજી તરફ ટીએમસીના કદાવર નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહાના બદલાયેલા સૂરથી રાજકીય પંડિતો પણ મૂંઝવણમાં મુકાયા છે. આસનસોલના સાંસદ અને 'શોટગન' તરીકે જાણીતા સિંહાએ પીએમ મોદીની કાર્યક્ષમતા અને તેમના ઊર્જા સ્તરને 'અજોડ' ગણાવીને તેમને લાંબા આયુષ્યની શુભેચ્છાઓ પાઠવી છે. આટલું જ નહીં, તેમણે કોઈનું નામ લીધા વિના રાહુલ ગાંધી દ્વારા પીએમ પર કરવામાં આવતા વ્યક્તિગત પ્રહારો સામે શિષ્ટાચાર જાળવવાની નસીહત આપીને કોંગ્રેસ છાવણીમાં પણ સોપો પાડી દીધો છે. મમતા બેનર્જીના ખાસ ગણાતા નેતા જ્યારે ભાજપના સર્વોચ્ચ નેતાની પ્રશંસા કરે, ત્યારે સ્વાભાવિક રીતે જ બંગાળના રાજકારણમાં ભીતરમાં કંઈક નવું રંધાઈ રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શત્રુઘ્ન સિંહા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો સંબંધ દાયકાઓ જૂનો અને ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. ૨૦૧૪માં ભાજપની જીત છતાં મંત્રીમંડળમાં સ્થાન ન મળતા સિંહાએ બળવાખોર વલણ અપનાવ્યું હતું અને છેવટે ૨૭ વર્ષનો ભાજપ સાથેનો સંગાથ છોડી મમતાના શરણમાં ગયા હતા. જોકે, તાજેતરની બિહાર ચૂંટણી દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કરી "એકવાર મિત્ર, હંમેશા માટે મિત્ર" લખ્યું હતું, જે દર્શાવે છે કે રાજકીય વૈમનસ્ય છતાં વ્યક્તિગત મૈત્રીના તંતુઓ હજુ અકબંધ છે. લાલકૃષ્ણ અડવાણીની છાવણીના મજબૂત સ્તંભ ગણાતા સિંહાએ એક સમયે મોદીના કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશનો વિરોધ કર્યો હતો, પરંતુ આજે તેઓ જ મોદીની તબિયત અને ફિટનેસના જાહેરમાં ગુણગાન ગાઈ રહ્યા છે, જે તેમની બદલાતી રાજકીય રણનીતિ તરફ ઈશારો કરે છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે શત્રુઘ્ન સિંહાનું આ 'સોફ્ટ વલણ' માત્ર શિષ્ટાચાર નથી, પરંતુ તેની પાછળ ઊંડા અર્થો છુપાયેલા હોઈ શકે છે. બંગાળની ચૂંટણીમાં હિન્દીભાષી મતદારો અને આસનસોલ જેવા વિસ્તારોમાં મોદીનો પ્રભાવ જોતા, સિંહા કદાચ ભાજપના કટ્ટર સમર્થકોને નારાજ કરવા માંગતા નથી અથવા તો ભવિષ્યમાં કોઈ નવા રાજકીય મોરચા માટેના દ્વાર ખુલ્લા રાખી રહ્યા છે. "રાજકારણમાં કોઈ કાયમી શત્રુ કે મિત્ર હોતા નથી" એ કહેવતને શત્રુઘ્ન સિંહા ફરી એકવાર સાર્થક કરી રહ્યા હોય તેમ જણાય છે. હવે જોવાનું એ રહેશે કે મમતા બેનર્જી પોતાના સાંસદના આ 'મોદી પ્રેમ'ને કઈ રીતે લે છે અને બંગાળની જનતા આ 'મીઠી' વાતોનો ચૂંટણી પરિણામોમાં શું અર્થ કાઢે છે.

(6:54 PM IST)