<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ઈરાનને પાતાળમાં ફટકો: ઈઝરાયેલનો બંદર અબ્બાસ પર ભીષણ હુમલો: IRGC નેવી ચીફ તાંગસિરી ખતમ!

વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટના રખેવાળ ગણાતા રીઅર એડમિરલ અલીરેઝા તાંગસિરીનું મોત: તેહરાન હજુ પણ આઘાતમાં

તેહરાન:   મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. રવિવારે મોડી રાત્રે ઈઝરાયેલે ઈરાનના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાતા બંદર અબ્બાસ નૌકાદળ મથક પર પાયમાલ કરી દે તેવો હુમલો કર્યો હોવાના અહેવાલો છે. આ ઓપરેશનમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના નૌકાદળના વડા રીઅર એડમિરલ અલીરેઝા તાંગસિરી માર્યા ગયા હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી છે. તાંગસિરી એ જ વ્યક્તિ હતો જેણે અનેકવાર અમેરિકા અને ઈઝરાયેલને સમુદ્રમાં ડૂબાડી દેવાની ધમકી આપી હતી અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની 'આક્રમક દરિયાઈ દીવાલ' તૈયાર કરી હતી. આ હુમલો એ સમયે થયો જ્યારે તાંગસિરી એક અત્યંત ગુપ્ત મિશન અથવા બેઠકમાં વ્યસ્ત હતા, જે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા 'મોસાદ'ના સચોટ ઈન્ટેલિજન્સ નેટવર્કની સાબિતી આપે છે.

બંદર અબ્બાસ માત્ર એક શહેર નથી, પણ ઈરાનનું તે 'નૌકાદળનું હૃદય' છે જે સમગ્ર પર્સિયન ગલ્ફ અને આંતરરાષ્ટ્રીય તેલ માર્ગો પર નિયંત્રણ રાખે છે. આ હુમલા બાદ ઈરાન સરકારમાં સોપો પડી ગયો છે અને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, જે સ્થિતિની ગંભીરતા સૂચવે છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો તાંગસિરીના મોતની સત્તાવાર પુષ્ટિ થશે, તો ઈરાન તેનો 'લોહિયાળ બદલો' લેવા માટે ઈઝરાયેલ પર સીધો મિસાઈલ હુમલો કરી શકે છે. આ ઘટનાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની અને હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પર જોખમ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

ઈઝરાયેલ અને અમેરિકાએ તાજેતરના મહિનાઓમાં ઈરાનના ટોચના લશ્કરી નેતૃત્વને જે રીતે નિશાન બનાવ્યું છે, તેનાથી IRGC ની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડી ગયા છે. તાંગસિરીનું જવું એ ઈરાન માટે માત્ર લશ્કરી નુકસાન નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક હાર પણ છે, કારણ કે તે ઈરાનની દરિયાઈ શક્તિનો સૌથી મોટો ચહેરો હતો. હવે આખું વિશ્વ શ્વાસ અધ્ધર કરીને બેઠું છે કે તેહરાન આ 'સર્જિકલ સ્ટ્રાઈક'નો જવાબ કઈ રીતે આપશે. શું આ હુમલો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાબિત થશે? તે આગામી ૨૪ કલાકમાં સ્પષ્ટ થઈ જશે.

(6:55 PM IST)