<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

શાહબાઝની 'શાંતિ દૂત' બનવાની આશા પર પાણી ફરી વળ્યું: ઈરાને અમેરિકાનો પ્રસ્તાવ ફગાવ્યો

ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવાના પાકિસ્તાનના મનસૂબા પર તેહરાને ફેરવ્યું પાણી: ૧૫ મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી પાકિસ્તાનને આપ્યો મોટો આંચકો : હવે ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા નહિવત


તેહરાન : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષને રોકવા માટે 'મધ્યસ્થી' બનીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શાખ સુધારવાના પાકિસ્તાનના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. અમેરિકન સમાચાર એજન્સી 'ધ મીડિયા લાઈન'ના અહેવાલ મુજબ, ઈરાને અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા ૧૫-મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવને સાવ ફગાવી દીધો છે. પાકિસ્તાન આ વાટાઘાટો માટે ઈસ્લામાબાદને એક સુરક્ષિત સ્થળ  તરીકે રજૂ કરી રહ્યું હતું, પરંતુ ઈરાને અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની શાંતિ મંત્રણાનો ઈનકાર કરતા વડાપ્રધાન શાહબાઝ શરીફની રાજદ્વારી ગણતરીઓ ઊંધી પડી ગઈ છે.

પાકિસ્તાની અધિકારીઓએ તેહરાનને જે પ્રસ્તાવ સોંપ્યો હતો તેમાં પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો પર નિયંત્રણ, હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને પ્રોક્સી જૂથોને મદદ બંધ કરવાની શરતો સામે પ્રતિબંધોમાં રાહત આપવાની વાત હતી. જોકે, ઈરાને માત્ર આ શરતો નકારી જ નથી, પરંતુ પોતાની કડક માંગણીઓ સાથેનો પ્રતિ-પ્રસ્તાવ (Counter-proposal) રજૂ કરીને અમેરિકા સામે પડકાર ફેંક્યો છે. આ સ્થિતિ દર્શાવે છે કે ઈરાન હાલમાં ઝુકવાના મૂડમાં નથી, જેના કારણે પાકિસ્તાન જે 'નિર્ણાયક' ભૂમિકા ભજવવા માંગતું હતું તે હવે માત્ર એક નિષ્ફળ પ્રયાસ બનીને રહી ગયો છે.

આ રાજદ્વારી નિષ્ફળતા પાકિસ્તાન માટે બેવડો ફટકો છે. એક તરફ તે અમેરિકાની ગુડબુકમાં આવવા માંગતું હતું અને બીજી તરફ ઈરાન સાથેના સંબંધો સુધારવાની કોશિશમાં હતું. ઈરાનના આકરા વલણે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની સાર્વભૌમત્વ અને લશ્કરી વ્યૂહરચના સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. હવે જ્યારે વાટાઘાટોના તમામ દ્વાર બંધ થતા જણાય છે, ત્યારે આ પ્રદેશમાં યુદ્ધનો ભય વધુ ઘેરો બન્યો છે અને પાકિસ્તાનની મધ્યસ્થી તરીકેની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉભા થયા છે.

(6:56 PM IST)