News of Thursday, 26th March 2026
વૈશ્વિક સંકટ વચ્ચે ફ્રાન્સમાં ગુંજ્યો ભારતનો અવાજ: વિદેશ મંત્રી એસ. જયશંકરે G7 બેઠકમાં આપી હાજરી; ઈરાન-યુક્રેન યુદ્ધ અને ઉર્જા સુરક્ષા પર દુનિયાના દિગ્ગજો સાથે મંથન
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા સર્જાયેલા ઉર્જા સંકટ પર ભારતની બાજ નજર; ફ્રેન્ચ વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો, જૂનમાં યોજાનારી ભવ્ય G7 સમિટ પૂર્વે રણનીતિ તૈયાર

પેરિસ: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા સંઘર્ષની વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અત્યારે ફ્રાન્સની મહત્વની મુલાકાતે છે. અહીં યોજાયેલી G7 દેશોના વિદેશ મંત્રીઓની વિશેષ બેઠકમાં ભારતે ખાસ આમંત્રિત દેશ તરીકે ભાગ લીધો હતો. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિશ્વ અત્યારે ગંભીર ભૌગોલિક-રાજકીય પડકારોનો સામનો કરી રહ્યું છે.
પશ્ચિમ એશિયા અને યુક્રેન પર ગહન ચર્ચા
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષ તેમજ યુક્રેન યુદ્ધની વર્તમાન સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારત ઉપરાંત બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોને પણ આ મંચ પર ખાસ સ્થાન આપવામાં આવ્યું હતું. તમામ નેતાઓએ યુએન (UN) શાંતિ રક્ષા મિશનમાં સુધારા કરવાના પગલાં પર પણ ભાર મૂક્યો હતો.
હોર્મુઝ સ્ટ્રેટ અને ભારતની ઉર્જા સુરક્ષા
આ મુલાકાત ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ ઈરાને 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) બંધ કરી દેતા વિશ્વભરમાં ઉર્જા સંકટ ઊભું થયું છે. ભારતની તેલની જરૂરિયાતો માટે આ માર્ગ જીવનરેખા સમાન છે. જોકે, તેહરાને ભારત જેવા સાથી દેશો માટે આ માર્ગ ફરી ખોલવાની જાહેરાત કરી છે, જે ભારત માટે રાહતના સમાચાર છે. એસ. જયશંકરે આ બાબતે વૈશ્વિક નેતાઓ સાથે ભારતના હિતો અંગે ચર્ચા કરી હતી.
દ્વિપક્ષીય મંત્રણા અને આગામી સમિટ
ફ્રાન્સ પહોંચ્યા બાદ એસ. જયશંકરે સૌપ્રથમ તેમના ફ્રેન્ચ સમકક્ષ જીન-નોએલ બારોટ સાથે મુલાકાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ મુલાકાતને ભારત-ફ્રાન્સ મિત્રતા માટે પ્રોત્સાહક ગણાવી હતી. આ બેઠક ૧૫-૧૭ જૂન દરમિયાન ફ્રાન્સના યવોનમાં યોજાનારી મુખ્ય G7 સમિટની પૂર્વતૈયારી સમાન છે, જેમાં વૈશ્વિક પડકારોના નક્કર ઉકેલ લાવવાનો 'મહત્વાકાંક્ષી' લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
