News of Thursday, 26th March 2026
આસામના રાજકારણમાં ખળભળાટ: કોંગ્રેસે પોતાના જ 'ગઢ' દિબ્રુગઢમાં હથિયાર હેઠા મૂક્યા? ભાજપના દિગ્ગજ પ્રશાંત ફુકન માટે જીતનો માર્ગ મોકળો
વર્ષો સુધી શાસન કરનાર કોંગ્રેસે દિબ્રુગઢ બેઠક પર ઉમેદવાર જ ન ઉતાર્યો; એજેપી (AJP) ને સમર્થન જાહેર કરતા કાર્યકરોમાં ભારે રોષ, કેસરીયો ગઢ વધુ મજબૂત બનવાના એંધાણ

દિબ્રુગઢ, તા.26: આસામ વિધાનસભા ચૂંટણી 2026ના રણમેદાનમાં એક એવો વળાંક આવ્યો છે જેણે રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે. એક સમયે કોંગ્રેસની અભેદ્ય ગણાતી દિબ્રુગઢ બેઠક પર આ વખતે કોંગ્રેસનો પંજો ગાયબ જોવા મળી રહ્યો છે. પાર્ટીએ આ બેઠક પર પોતાનો કોઈ જ ઉમેદવાર ઊભો ન રાખવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે, જેનો સીધો ફાયદો ભાજપને મળતો દેખાઈ રહ્યો છે.
શરણાગતિ કે રણનીતિ?
દિબ્રુગઢ હંમેશાથી આસામની પ્રતિષ્ઠિત બેઠક રહી છે. જોકે, આ વખતે કોંગ્રેસે અહીં ચૂંટણી લડવાને બદલે આસામ રાષ્ટ્રીય પરિષદ (AJP) ના ઉમેદવાર મૈનક પાત્રાને ટેકો જાહેર કર્યો છે. ભાજપના ઉમેદવાર અને વર્તમાન મંત્રી પ્રશાંત ફુકને આ બાબતે કટાક્ષ કરતા જણાવ્યું છે કે, "કોંગ્રેસ પાસે હવે કોઈ સક્ષમ ઉમેદવાર બચ્યા નથી, તેથી તેમણે મેદાન છોડીને શરણાગતિ સ્વીકારી લીધી છે."
ભાજપનો સતત વધતો દબદબો
વર્ષ 2006 થી દિબ્રુગઢમાં રાજકીય પવન બદલાયો છે. પ્રશાંત ફુકને તે વર્ષે કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવીને ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. ત્યારપછી 2011, 2016 અને 2021 ની ચૂંટણીમાં ભાજપની જીતનું માર્જિન સતત વધતું રહ્યું છે. હવે 2026 માં, જ્યારે સામે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી, ત્યારે ફુકન પોતાની સતત પાંચમી જીત તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા હોય તેમ લાગે છે.
કાર્યકરોમાં મૂંઝવણ અને આંતરિક વિખવાદ
કોંગ્રેસના આ નિર્ણયથી સ્થાનિક કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પાયાના કાર્યકરોનું માનવું છે કે પોતાના ગઢમાં ઉમેદવાર ન ઉતારવાથી પક્ષનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. બીજી તરફ, પ્રશાંત ફુકને ભાજપની કાર્યપદ્ધતિને 'કોર્પોરેટ હાઉસ' સાથે સરખાવી હતી, જ્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ત્યાં નિર્ણયો લેવાની કોઈ ચોક્કસ સિસ્ટમ જ રહી નથી.
હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના સમર્થનથી એજેપી (AJP) ભાજપના વિજય રથને રોકી શકે છે કે પછી દિબ્રુગઢમાં ફરી એકવાર ભગવો લહેરાશે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
